યુનિટી સ્પેસશીપ-૨ સ્પેસ ટ્રાવેલની સફર શરૃ કરવા તૈયાર


'જોહું (અંતરીક્ષમાં) જવા માટે સક્ષમ હોઉ અને રિચાર્ડ ખરેખર મને લઈ જાય તો, મને તેમનાં સ્પેસશીપમાં ઉડવાનો ગર્વ થશે ! આ શબ્દ કોઈ સામાન્ય માનવીનાં નથી. ખ્યાતનામ ભૌતિક શાસ્ત્રી સ્ટીફન હોર્કીંગનાં છે. ''ગુરૃત્વાકર્ષણનાં તરંગોની સીધી શોધ થઈ છે.'' ત્યારથી ભૌતિકશાસ્ત્રીઓ ગેલમાં આવી ગયા છે. જોકે સ્ટીફન હોર્કીંગનાં આનંદનું કારણ જરા અલગ છે. તેને ભૌતિકશાસ્ત્ર સાથે સીધી લેવા દેવા નથી. વિશ્વ વિખ્યાત કંપની વર્જીન ગેલેકટીક દ્વારાં વિએસએસ યુનીટી નામનું નવું સ્પેસશીપ લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. વર્જીન ગેલેક્ટીક કંપની વ્યાપારી ધોરણે સ્પેસ ટુરીઝમ શરૃ કરવા માંગે છે. જેમાં મોજ-મજા માટે સામાન્ય (માલેતુજાર) માનવી અંતરીક્ષની સફર ખેડી અંતરીક્ષ યાત્રી બનવાનો લ્હાવો લઈ શકશે. વર્જીન ગેલેક્ટીક દ્વારા ૧૯ ફેબુ્રઆરીનાં રોજ તેનાં નવા સ્પેસશીપ-૨ ''યુનીટી'' લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. સ્પેસશીપ ટુનાં અનાવરણ પ્રસંગે પ્રો. સ્ટીફન હોકીંગે તેનો રેકોર્ડેડ વિડીયો મેસેજ મોકલી ''યુનીટી''નું ઉદઘાટન કર્યું હતું. કુવૈત ટાઈમ્સ લખે છે કે ''વર્જીન ગેલેક્ટીવનું નવું રોકેટ પ્લેન આવી ગયું છે. જે સીવીલીઅનને એસ્ટ્રોનર બનાવવાનાં ધ્યેય સાથે લોંચ થયું છે.'' શક્ય છે કે નવા વ્યાપારીકરણ વાળી સ્પેસ ટ્રાવેલ અને ટુરીઝમનો સુર્યોદય થઈ રહ્યો છે.''

વર્જીન ગેલેક્ટીક-સ્પેસ રેસમાં શામેલ

૨૦૧૪માં વર્જીન ગેલેક્ટીક તેનું સ્પેસ ક્રાફ્ટ પ્રયોગાત્મક ઉડ્ડયન વખતે ગુમાવ્યું હતું. જેમાં પાયલોટ માયકલ આલ્સબુરીનું અવસાન થયું હતું. આ ઘટનાનાં કારણે ૨૦૧૬નો શરૃઆતમાં વ્યાપારી ધોરણે 'સ્પેસ ટ્રાવેલ' કરાવવાનું કંપનીનાં સ્થાપક સર રિચાર્ડ બ્રાનસનનું શમણું બે ડગલાં પાછું હટી ગયું હતું. કંપનીએ તેનું નવું આધુનિક સ્પેસશીપ-ટુ ''યુનીટી''ને ફરી વાર રજુ કરી, હવે સ્પેસ ટુરીઝમની રેસમાં પોતાના ''ઘોડા'' દોડાવવાની શરૃઆત કરી દીધી છે.
યુનીટી સ્પેસશીપ બે પાયલોટ અને છ પેસેન્જરને લઈને પૃથ્વીની સપાટીથી માત્ર ૧૦૦ કિ.મી.ની ઉંચાઈએ લઈ જઈને 'સ્પેસ'ની મજા કરાવે છે. જોકે આખી યાત્રા આમ જોવા જાવ તો માત્ર પાંચ મિનિટની છે. ટિકિટનાં ભાવ અઢી લાખ ડોલર છે. જે માત્ર સુપરશીપ કલાસનાં થ્રિલ શીકર ધનવાનોને જ પોસાઈ શકે તેમ છે. વર્જીન ગેલેક્ટીકની પોતાની ''સ્પેસશીપ'' કંપની છે. જે સ્પેસશીપ બનાવે છે. ગયા વખતનાં અકસ્માત બાદ, નવા સ્પેસશીપને ફેરફારો સાથે તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પેસ ટુરીઝમ માટે ખાસ પ્રકારનું ''સ્પેસ પોર્ટ'' મોજાવે ખાતે બાંધ્યું છે. કંપની તેનાં કસ્ટમર્સને અંતરીક્ષમાં લઈ જાય તે પહેલાં, અસંખ્ય ટેસ્ટ કરીને, નવા વિક્રમો સ્થાપવા માંગે છે. કંપની સ્પેસશીપ અને તેને અંતરીક્ષમાં લઈ જાય તેવાં રોકેટ લોન્ચર (મધરશીપ)ની ડિઝાઈન કરી ચૂક્યું છે.
ધનવાનોને અંતરીક્ષ યાત્રા કરાવવાની રેસમાં ''સ્પેસ એક્સ'' અને રેસ્લાં કંપની સામેલ છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૪નાં રોજ 'સ્પેસશીપ'ને અકસ્માત નડયો હતો. જેનું તારણ કાઢવા માટે, નેશનલ સેફ્ટી બોર્ડ દ્વારાં ઈન્વેસ્ટીગેશન કરવામાં આવ્યું હતું. જેમાં લોકીંગ પીનની ખામી જોવા મળી હતી. જેનાં કારણે અકસ્માત થયો હતો. વર્જીન ગેલેક્ટીક પાંચ સ્પેસશીપ બનાવાની ફિરાકમાં છે.

સ્પેસ એક્સ

સ્પેસ ટ્રાવેલ માટેની ''સ્પેસ રેસ''માં જેનો ઘોડો સૌથી આગળ દોડી રહ્યો છે તે કંપની છે ''સ્પેસ એક્સ.'' જેની સ્થાપનાં ૨૦૦૨માં પેપાલનાં માલિક અને ટેસ્લા મોટર્સનાં સીઈઓ એલન મસ્કે કરી હતી. કંપનીનો અંતિમ ધ્યેય તો, મંગળ ઉપર ''માર્સ કોલોની'' બાંધવાનો છે. કંપની મુખ્યત્વે એવાં રોકેટ તૈયાર કરવા માંગે છે જેને વારંવાર વાપરી શકાય. આ કામ માટે તેણે ફાલ્કન-૧થી ફાલ્કન-નાઈન સુધીની રોકેટ સફર ખેડી. જેમાં તેણે સફળતા અને નિષ્ફળતાં બંનેનો સ્વાદ ચાખ્યો છે. કંપનીએ અંતરીક્ષ યાત્રીને અંતરીક્ષમાં લઈ જવા ખાસ પ્રકારનું સ્પેસક્રાફ્ટ વિકસાવેલ છે. જેને ફ્રેમન કોસ્યુલ કહે છે. 'ફ્રેમન કોસ્યુલ' દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર માલસામાન મોકલાવવા ''ડ્રેગન કેપસ્યુલ'' સફળ રહ્યું છે. ૨૦૧૦માં ''સ્પેસ એક્સે'' ખાનગી કંપની દ્વારા રોકેટ લોંચીંગ કરવાની ઘટના ઈતિહાસનાં ચોપડે નોંધી હતી. ૨૦૧૨માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર સ્પેસ ક્રાફ્ટ મોકલવાનો 'ખાનગી કંપની' તરીકેનો રેકોર્ડ પણ તેણે સ્થાપ્યો હતો.
અમેરિકાની 'નાસા'એ સ્પેસ એક્સની વ્યાપારી સેવાઓ લેવા માટે કરાર કર્યા છે. ૨૦૧૫ સુધી સ્પેસ એક્સ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી કાર્ગો સપ્લાયનાં છ મિશન સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. નાસાએ સ્પેસ એક્સને અંતરીક્ષ યાત્રીઓને લઈ જઈ શકાય તેવાં હ્યુમન રેટેડ 'ડ્રેગન સ્પેસશીપ'ની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને ડેમોનસ્ટ્રેશન માટેનાં વ્યાપારી કરાર કરેલાં છે. જે કંપનીની સફળતા બતાવે છે. ખાનગી ક્ષેત્રે અંતરીક્ષ માટે સેવા આપવાનું બહુમાન કંપનીનાં નામે નોંધાયેલ છે. જોકે હાલનાં તબક્કે ધનકુબેરોને માત્ર મોજ શોખ માટે અંતરીક્ષમાં લઈ જવાનો 'મોંઘો સ્પેસ ટ્રાવેલ'નો કોઈ પ્લાન કંપનીએ ઘડેલ નથી.
કંપની ખરા અર્થમાં સ્પેસ ટ્રાવેલ માટે કામ કરવા માંગે છે. સ્પેસ ટ્રાવેલનાં નામે અવનવા ગતકડાં કાઢવા તેને પાલવે તેમ નથી. સ્પેસ એક્સનો અંતિમ ધ્યેય એવી સ્પેસ કેપ્સ્યુલ વિકસાવવાનો છે. જે મનુષ્યને મંગળ સુધી લઈ જાય અને સલામત રીતે પાછાં પણ લાવી શકે.
બ્લ્યુ ઓરીજીન

સ્પેસ એક્સ પછી બીજા ક્રમે જેનો 'ઘોડો' રેસમાં દોડી રહ્યો છે તે કંપની છે. 'બ્લ્યુ ઓરીજીન' એમેઝોન ડોટ કોમનાં સ્થાપક જૈફ બેઝોસે બ્લ્યુ ઓરીજીનની સ્થાપનાં કરેલ છે. કંપની વર્ટીકલ ટેક ઓફ અને વર્ટીકલ લેન્ડીંગ કરાવી શકાય તેવાં રોકેટની રચના કરવા માંગે છે. પૃથ્વી બ્લ્યુ પ્લેનેટ તરીકે ઓળખાય છે. પૃથ્વી પરથી પેદા થયેલ રોકેટને આ રીતે ''બ્લ્યુ ઓરીજીન'' નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીએ વારંવાર વાપરી શકાય તેવાં રોકેટનું ઉડ્ડયન કરી બતાવ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૬માં પણ ફરીવાર ''ન્યુ શેફર્ડ'' સ્પેસ ક્રાફ્ટને સબ સ્ટોરર્વીટલ સ્પેસ એટલે કે લગભગ ૧૦૦ કિ.મી.ની ઉંચાઈએ ઉડાડી બતાવ્યું હતું. ૨૦૧૫માં કંપનીએ 'ઓરબીટલ' સ્પેસ ક્રાફ્ટ રચના કરવાની જાહેરાત કરી હતી. જેનો મતલબ થાય કે કંપની ૧૦૦ કિ.મી. કરતાં વધારે ઉંચાઈએ સ્પેસ ક્રાફ્ટ મુકવા માંગે છે. જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકે. જેનો વેગ૮ કી.મી. પ્રતિ સેકન્ડ કરતાં વધારે હોય.
બ્લ્યુ ઓરીજીનની સફળતાનાં કારણે જૈફ બેઝોલ અને એલન મસ્ક વચ્ચે ''ટવિટર યુદ્ધ'' શરૃ થયું હતું. છેવટે સ્પેસ એક્સે પણ તેના તોતીંગ રોકેટને અંતરીક્ષમાં ઉડાડયું હતું. જેની ફરીવાર નિશ્ચિત કરેલ ''રીકવરી લેન્ડીંગ ઝોન''માં પાછું મેળવ્યું હતું.
૨૦૦૯માં નાસા દ્વારા સ્પેસ એક્ટ એગ્રિમેન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીને ૩૭ લાખ ડોલર સંશોધન અને વિકાસ અર્થ મળ્યા હતાં. ૨૦૧૧માં બીજા સ્ટેજ માટે ૨૨ લાખ ડોલર મળ્યા હતાં. કંપનીએ કરેલ કરાર મુજબ બ્લ્યુ ઓરીજીન ૨૦૧૭ સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી અંતરીક્ષ યાત્રીઓને પહોંચાડી શકાય તેવી 'ક્રુ ડીલીવરી' સિસ્ટમ પુરી પાડશે.

સ્ટાર ઓફ સ્પેસ ટીમ
માનવીની મહત્વાકાંક્ષા અને મજબુત મનોબળ હોય તો જ સફળતા મળે. ખાનગી કંપની દ્વારા નવો ''પ્રાઈવેટ સ્પેસ એજ'' શરૃ કરવાની ખ્વાહિશ અનેક વ્યક્તિ ધરાવતા હતાં, હજી ધરાવે છે. જેમાંના કેટલાંકને ઓળખવા જેવો છે. આ રહ્યું ''શોર્ટ'' કટ સમીકરણ....
પિટર ડાયમંન્ડીસ :-

જેમણે સિંગ્યુલારીટી યુનિવર્સીટીની સ્થાપનામાં ભાગ લીધો હતો. ૧૯૯૬માં જાહેર કર્યું હતું કે જે કંપની ત્રણ વ્યક્તિ બેસી શકે તેવું સ્પેસ વ્હીકલ બનાવીને પંદર દિવસમાં બે વાર તેનું ઉડ્ડયન કરી બતાવશે તેને દસ અબજ ડોલરનું ઈનામ મળશે. એક કરોડ ડોલરનાં ઈનામ માટે સાત દેશોની ૨૬ ટીમે ૧૦ કરોડ ડોલરનું રોકાણ કરી નાખ્યું હતું. જેમાં 'સ્પેસશીપ વન' વિજેતા બન્યું હતું. તેનું નવું વર્જીન 'સ્પેસશીપ-ટુ-યુનીટી' તાજેતરમાં સમાચારોમાં ચમકી રહ્યું છે.
જૈફ બેઝોસ :-
નવી ટેકનોલોજી વિકસાવવાની ધૂન ધરાવનાર ધૂની માનવી એટલે જૈફ બેઝોસ. ઈ-કોમર્સને વેગ આપવામાં તે અગ્રેસર ગણાય છે. ઈ-બિઝનેસમાં માસ્ટર ગણાતી એમેઝોન.કોમનાં સ્થાપક છે. જૈફ બેઝોસ જે ઈન્ટરનેટનાં લાર્જેસ્ટ રિટેઈલર ગણાય છે. ૨૦૧૩માં તેમણે ધ વોશીંગ્ટન પોસ્ટ અખબાર ખરીધ્યું હતું. ૨૦૦૦માં તેમની પોતાની સ્પેસ ટ્રાવેલની કલ્પનામાંથી ''બ્લ્યુ ઓરીજીન'' કંપની સ્થાપી. સ્પેસ ટ્રાવેલની કલ્પનાને હકીકતમાં બદલવા મક્કમ છે.
એલન મસ્ક :-
દ.આફ્રિકામાં જન્મેલ અને કેનેડીઅન-અમેરીકન ઉદ્યોગપતિ એટલે એલન મસ્ક. તેમણે ''સ્પેસ એક્સ''ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મનુષ્યનાં અસ્તિત્વ સામે ખતરો ન રહે તે માટે તેઓ મંગળ ઉપર માનવ વસાહત સ્થાપવાનાં ધ્યેય સાથે કામ કરી રહ્યાં છે. હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટેશન માટે તેઓ ''હાઈપરલુપ'' નામની સીસ્ટમની સંકલ્પના આપી ચુક્યો છે.
રિચાર્ડ બ્રાનસન :-
 ૪૦૦ કંપનીનું અનોખું ગુ્રપ એટલે વર્જીન ગુ્રપ. સોળ વર્ષની ઉંમરે તેમણે ''સ્ટુડન્ટ'' મેગેજીન શરૃ કરી, પોતાનાં ધંધાની શરૃઆત કરી હતી. એ વ્યક્તિ ૬૫ વર્ષની ઉંમરે લોકોને 'સ્પેસ ટ્રાવેલ' કરાવવાનો અનોખો ધંધો ખોલીને બેઠાં છે. સામાન્ય માનવી માટે એક ગતકડું છે. જ્યારે ધનકુબેરો માટે નવો શોખ. ૧૯૮૦નાં ગાળામાં વર્જીન કંપનીનો ખૂબ જ વિકાસ થયો હતો. વાંચનનાં શોખીનને નોન-ફીકશન, વાસ્તવિકકથાઓ વધુ ગમે છે.

ગ્રેવિટેશનલ વેવ્ઝ : બ્રહ્માંડનો માનવી સાથેનો સીધો વાર્તાલાપ

એકવીસમી સદીની અદ્ભૂત-અપૂર્વ શોધ

૧૧ફેબુ્રઆરીનો દિવસ વિજ્ઞાન જગત માટે સૌથી મહત્ત્વનો સાબિત થયો હતો. ''ફિઝિકલ રિવ્યુ લેટર્સ''માં સંશોધન પણ પ્રકાશિત કરીને વૈજ્ઞાનિકોએ એકવીસમી સદીની સૌથી મહાન શોધ કરી હોવાનો દાવો રજુ કર્યો છે. સમગ્ર બ્રહ્માંડને જીવંત રાખનાર અદ્ભૂત બળ ''ગુરૃત્વાકર્ષણ'' પેદા કરવા માટે જવાબદાર ''ગુરુત્વાકર્ષણના તરંગો'' શોધી કાઢવામાં આવ્યાં છે. ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ, લીગો કોલાબરેશન નામે ઓળખાતી ટીમે કરી છે. જેમાં ૧૦૦૦ જેટલાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સહયોગ આપી રહ્યાં છે. ટીમનું નેતૃત્વ કરનાર યુરોપીય દેશ જર્મની છે. મેકસ પ્લાંન્ક ઈન્સ્ટીટયૂટ ફોર ગ્રેવિટેશનલ ફીઝિક્સ અને લાઇબનીઝ યુનિવર્સિટી તેનાં મુખ્ય ભાગીદાર છે. આ ઇન્સ્ટીટયૂટનાં પ્રો. કર્સ્ટેન ડેન્ઝમાન જણાવે છે કે ''તેમની શોધ અદ્ભૂત અને અભૂતપૂર્વ છે. જેની સરખામણી ભૂતકાળમાં થયેલ શોધ, હિગ્સ બોઝોન અને ડીએનએનાં બંધારણની શોધને સમકક્ષ મુકી શકાય તેમ છે.''  સમગ્ર બ્રહ્માંડને ચલાવનાર અને અત્યાર સુધી જેની હાજરી બધા જ અનુભવતા હતાં. તેવાં ''ગુરુત્વાકર્ષણ''નો ભેદ હવે ઉકલી ગયો છે.

ઘટનાનાં સાક્ષી અને સ્ત્રોત બનેલા ''બાયનરી બ્લેક હોલ્સ''

૧૯૧૬માં મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાવાદનો સામાન્ય સિધ્ધાંત આપ્યો હતો. જેમાં બ્રહ્માંડનાં ચોથા પરીમાણ તરીકે અંતરીક્ષ અને સમયની જુગલબંધી જેવી ભૌતિકશાસ્ત્રી ''સ્પેસ-ટાઇમ''ની સંકલ્પનાં રજુ કરવામાં આવી હતી. બ્રહ્માંડનો કોઇપણ અવકાશી પીંડ હોય તેની ગતિ-વિધિ દ્વારા આ સ્પેસ ટાઇમમાં ખલેલ પહોંચાડે છે ત્યારે સ્પષ્ટ કે ડમરી સ્વરૃપે ''તરંગો'' પેદા થાય છે. જેની ગતિ પદાર્થનાં સ્ત્રોતથી બહાર તરફની હોય છે. આ તરંગોને ''ગુરુત્વાકર્ષણના તરંગો'' કહે છે. ''લીગો'' નામની અંતરીક્ષ વેધશાળા દ્વારા એક અદ્ભૂત ઘટના જોવા મળી હતી. ગયા વર્ષની ૧૪મી સપ્ટેમ્બરનાં રોજ વેધશાળાનાં ઉપકરણો ૧.૩૦ અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલાં બે બ્લેક હોલને એકબીજાની પાસે આવીને એકબીજામાં સમાઈ જતાં જોયા હતાં. આ ઘટનાનાં સાક્ષીરૃપ ''ગુરુત્વાકર્ષણના તરંગો'' લીગો નામની વેધશાળાનાં બે એકબીજાથી દૂર આવેલ ઉપકરણોએ પકડી પાડયા હતાં. પૃથ્વી પરની આ પ્રથમ ઘટના છે. જેમાં ગુરુત્વાકર્ષણના તરંગોની ''સીધી'' ડાયરેક્ટ સાબિતી મળી છે.
 બ્રહ્માંડનાં બાયનરી બ્લેક હોલ્સે ગુરુત્વાકર્ષણના તરંગો વડે લીગોનાં વૈજ્ઞાનિકો સાથે સીધો જ વાર્તાલાપ કર્યો છે. અત્યાર સુધી બ્લેક હોલ્સની હાજરીનાં અદ્રશ્ય પુરાવાઓ જરૃર મળ્યા હતાં. પરંતુ કોઈ પણ વૈજ્ઞાનિક એ વાત જાણતો ન'હતો કે જો બે વિશાળકાય બ્લેક હોલ્સ/ શ્યામ વિવર એકબીજા સાથે ટકરાઈને એકમેકમાં ઓતપ્રોત થઈ જાય તો અતિ-વિશાળકાય બ્લેકહોલ બને.   ગુરુત્વાકર્ષણના તરંગોની આગાહી ૧૦૦ વર્ષ પહેલા થઈ હતી અને, ગુરુત્વાકર્ષણના તરંગો પકડી પાડવાનાં યંત્રની ડિઝાઇન વૈજ્ઞાનિકોએ ૪૦ વર્ષ પહેલાં આપી હતી. ઘટનામાં જોવા મળેલ બે બ્લેક હોલમાંથી એકનું દ્રવ્ય આપણી સૂર્યમાળાનાં સમગ્ર દ્રવ્યથી ૧૯ ગણું વધારે હતું. જ્યારે બીજાનું દ્રવ્ય/પદાર્થ સૂર્યમાળાનાં પદાર્થ કરતાં ૩૬ ગણું વધારે છે. બંને એકબીજામાં ભળી જતાં તેમનો દ્રવ્યનો સરવાળો ૬૦ સૂર્યમાળાનાં દ્રવ્ય કરતાં ૬૨ ગણો વધારે થયો છે. જેમાંથી ઉદ્ભવેલાં ગુરુત્વાકર્ષણના તરંગોને પૃથ્વી પર આવેલી ''લીગો''નાં લિવીંગસ્ટન અને હેન્ડફોર્ડ ખાતે આવેલા ડિરેક્ટરોએ સાત મિલી સેંકન્ડનાં તફાવતથી શોધી કાઢ્યા હતાં.

યશસ્વી શોધનાં હક્કદાર :- લીગો ઓબ્ઝરવેટરી

ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ અને સંશોધન માટે વિશ્વની અનેક સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા હતાં. થોડા સમય પહેલાં ''માઇક્રોવેવ કોસ્મીઝ બેકગ્રાઉન્ડ રેડિયેશન''ની તસવીરમાં જોવા મળેલા અસામાન્યતાનાં આધારે વૈજ્ઞાનિકો એ ગુરુત્વાકર્ષણના તરંગો શોધી કાઢ્યાની જાહેરાત કરી હતી, પરંતુ તે સાચી પુરવાર થઈ ન હતી. આ વખતે લીગો ઓબ્ઝરવેટરી દ્વારાં વૈજ્ઞાનિકોએ પ્રેવિટેશનલ વેવ્ઝ શોધ્યાનો 'ડાયરેક્ટ' દાવો કર્યો છે. જે લગભગ સાચો સાબિત થાય તેમ છે. 'ગુરુત્વાકર્ષણના તરંગો' શોધવાનો ખરો શ્રેય આપવાનો હોય તો, 'લીગો' ઓબ્ઝરવેટરીનાં ઉપકરણોને આપવો જોઇએ જેણે ખૂબ જ ઝીણું કાંતીને ઘાસની વિશાળ ટેકરીમાંથી ગુરુત્વાકર્ષણના તરંગો જેવી ટાંકણી શોધી કાઢી છે. લીગોનું લાંબું નામ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવીટેશનલ વેવ્ઝ ઓબ્ઝરવેટરી (LIGO) છે. જેનો પાયો ખ્યાતનામ વૈજ્ઞાનિક કિપ થોર્મ અને રોનાલ્ડ ફ્રેવરે નાખ્યો હતો. ભૌતિકશાસ્ત્રી કિપ થોર્મ તેનાં 'હોલીવૂડ' કનેકશનનાં કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે આવેલી 'ઈન્ટરસ્ટેલર' હોલીવૂડ ફિલ્મનાં કારણે પણ તેઓ સમાચારોમાં ચમક્યા હતો. લીગોનાં બાંધકામમાં અમેરિકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, બ્રિટનની સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેસિલિટી કાઉન્સીલ, જર્મનીની મેક્સ પ્લાંન્ડ સોસાયટી અને ઓસ્ટ્રેલિયન રિસર્ચ કાઉન્સીલનું ભંડોળ અને ભાગીદારી કામે લાગેલ છે. ૨૦૦૨થી ૨૦૧૦માં કાર્યરત રહેલ લીગોને, ગુરુત્વાકર્ષણના તરંગોની ભાળ મળી ન'હતી. અપગ્રેડ માટે વેધશાળા બંધ રહી હતી. ૧૪-૧૮ સપ્ટેમ્બર ૨૦૦૮નાં રોજ અહીં ગુરુત્વાકર્ષણના તરંગોનાં સિગ્નલ ઝડપી પાડવામાં આવ્યા હતાં. જેની જાહેરાત તાજેતરમાં ફિજીકલ રિવ્યુ લેટર્સ અને વોશિંગ્ટનમાં પ્રેસ કોન્ફરન્સમાં ''લીગો'' દ્વારા કરાઈ.
ઇન્ડીયન ઈનિશિએટીવ ઇન ગ્રેવિટેશનલ વેવ્ઝ- ''ઇન્ડીગો'' અને 'લીગો' વચ્ચે એક પ્રસ્તાવ રચાયો છે. ભવિષ્યમાં ભારતમાં 'લીગો'નું વર્લ્ડ કાગસ ડિરેક્ટર ધરાવતી 'લીગો-ઇન્ડીયાં' વેધશાળાની સ્થાપના થવાની સંભાવનાં છે.

ગ્રેવિટેશનલ એસ્ટ્રોનોમી : ભવિષ્યની આશા

એક બેહદ અભૂતપૂર્વ કહેવાય તેવી બ્લેક હોલની ટકરામણ અને એકબીજામાં સમાઈ જવાની ઘટના લીગોનાં ડિટેક્ટરોએ શોધી કાઢી છે. બ્રહ્માંડમાં બનતી ઘટનાનાં સાબિતી જેવાં ઇલેકટ્રો-મેગ્નેટિક રેડિયેશન અને દ્રશ્યમાન પ્રકાશ વારંવાર માર્ગમાં આવતાં અવકાશીપિંડ, અવકાશી ડસ્ટ અને વાયુનાં કારણે અટવાઈ જાય છે. જ્યારે ગુરુત્વાકર્ષણના તરંગોને આવી મર્યાદા નડતી નથી. આ કારણે હવે ગુરુત્વાકર્ષણના તરંગો આધારીત ખગોળશાસ્ત્રનો વિકાસ થવાની સંભાવના વધારે છે.
વૈજ્ઞાનિકો ગુરુત્વાકર્ષણના તરંગો વડે બ્લેક હોલની સંપૂર્ણ જન્મ કુંડળી બનાવી શકે તેમ છે. એ જ રીતે ન્યુટ્રોન સ્ટારનાં અભ્યાસમાં ગુરુત્વાકર્ષણના તરંગો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ન્યુટ્રોન સ્ટાર મગજને ચકરાવે ચડાવી દે તેવું તારાનું બળી ગયા બાદ બચેલ હાડપિંજર છે. જેમાં એક ચમચી જેટલાં દ્રવ્યનું વજન પૃથ્વી પર અબજો ટન થઈ શકે છે. ન્યુટ્રોન સ્ટારમાં સામાન્ય 'દ્રવ્ય'માં એવું શું બને છે કે તેનું વજન ખૂબ જ વધી જાય છે ? આ સવાલનો જવાબ ગુરુત્વાકર્ષણના તરંગો આપી શકે છે. આ ઉપરાંત બ્રહ્માંડનાં અદ્રશ્ય પદાર્થ-ડાર્ક મેટરનાં રહસ્ય ખોલવામાં પણ ''ગ્રેવિટેશનલ વેવ્ઝ'' કામિયાબ નિવડે તેમ છે. જેનાં માટે ભવિષ્યમાં અતિ-અતિ-સંવેદનશીલ 'ડિરેક્ટર' વિકસાવવા પડશે. જે અતી નબળા જણાતા ''ગ્રેવિટેશનલ તરંગો''ને અલગ તારવી શકે. ૧૦૦ વર્ષ પહેલાં કોઈ પણ કમ્પ્યુટરની મદદ વગર આઇનસ્ટાઇને કરેલું ગ્રેવિટેશનલ વેવ્ઝનું અનુમાન સાચુ ઠર્યુ

ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ : સામાન્ય માનવી એ કઈ રીતે સમજવી ?

સામાન્ય માણસ માટે સમજદારીપૂર્વકની વાત 'આટલી જ' સરળ છે. ગુરુત્વાકર્ષણના તરંગો વિશે આલ્બર્ટ આઇનસ્ટાઇને તેનાં જગવિખ્યાત સાપેક્ષતાવાદનાં થિયરીમાં વણી લીધા હતાં. ગુરુત્વાકર્ષણ બળની પરોક્ષ અસર બ્રહ્માંડનાં દરેક પદાર્થ ઉપર વરતાતી જોવા મળે છે. પરંતુ ગુરુત્વાકર્ષણનું બળ કઈ રીતે કામ કરે છે. એ સમજવું હોય તો ''ગુરુત્વાકર્ષણના તરંગો'' તેનો મુખ્ય આધાર છે. ગુરુત્વાકર્ષણના તરંગોનાં કારણે આપણે બ્રહ્માંડને અલગ રીતે અને આશા દ્રષ્ટિથી નિહાળી શકતાં હતાં. બ્રહ્માંડને આપણે દ્રશ્યમાન પ્રકાશનાં ઉપયોગથી ટેલિસ્કોપ વડે નિહાળ્યું છે. વિવિધ ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશનથી નિહાળ્યું છે. હવે ગુરુત્વાકર્ષણનાતરંગોનાં આધારે બ્રહ્માંડને નિહાળી શકીશું.
જો દ્રશ્યમાન પ્રકાશની રીતે વાત કરીએ તો, હવે આપણું બ્રહ્માંડ પારદર્શક નથી. અપારદર્શક છે. હવે મનુષ્ય ગુરુત્વાકર્ષણના તરંગો નિહાળી શકે છે. તો, પ્રકાશની મદદથી બ્રહ્માંડનો જે ભૂતકાળ આપણે જાણી શક્યા નથી. એ ભૂતકાળ ગુરુત્વાકર્ષણના તરંગો વડે જાણી શકાશે. અત્યાર સુધી પૃથ્વી પરનો માનવી અવકાશીપિંડોની હાજરી માત્ર તેણે મુક્ત કરેલ ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશનથી જાણી શકતા હતાં. આ રેડિયેશનમાં દ્રશ્યમાન પ્રકાશ, એક્સ-રે, ગામી રે, અને માઇક્રોવેવ બેક ગ્રાઉન્ડ રેડિયેશનનો સમાવેશ થાય છે.
બ્રહ્માંડનાં કેટલાંક પદાર્થ એવા છે. જે ઇલેકટ્રોમેગ્નેટિક રેડિયેશન મુક્ત કરતા નથી પરંતુ પુષ્કળ....અધધધ....થઈ જવાય તેટલી માત્રામાં ગુરુત્વાકર્ષણ બળ મુક્ત કરે છે. ''બ્લેક હોલ'' આવો જ બ્રહ્માંડનો પદાર્થ છે. બ્રહ્માંડની શરૃઆતને જો બંદૂક નો ધડાકો ગણીએ તો, ગુરૃત્વાકર્ષણ એ ધડાકામાં પેદા થયેલ ધૂમાડો છે. ધુમાડાની માત્રા ઉપરથી ધડાકાની તીવ્રતા નક્કી થઈ શકે તેમ છે. હવે બ્રહ્માંડનો અદ્રશ્ય પદાર્થ ગુરુત્વાકર્ષણના તરંગોનાં કારણે વિજ્ઞાનીઓ માટે ''દ્રશ્યમાન'' બનશે. કારણ કે ગુરુત્વાકર્ષણનાતરંગો કોઇપણ પદાર્થમાંથી પસાર થાય તેઓ બદલાતા નથી. દ્રશ્યમાન પ્રકાશ ઉપર બ્રહ્માંડનાં અન્ય પદાર્થો અસર કરે છે. ગુરુત્વાકર્ષણનાતરંગો પોતાની પ્રકૃતિ બદલ્યા વિનાં બ્રહ્માંડનાં ખૂણે ખૂણે પ્રસરી શકે છે.

ફેક્ટ ફાઇલ : આઇનસ્ટાઇનથી 'લીગો'

* ગ્રેવિટેશન વેવ્ઝની સંકલ્પના આલ્બર્ટ આઈનસ્ટાઈને તેની જનરલ થિયરી ઓફ રિલેટીવિટી દ્વારા આપી હતી.
* પ્રવેગી આંકાશીપિંડ ગુરુત્વાકર્ષણના તરંગો પેદા કરે છે જે પ્રકાશની ઝડપે મુસાફરી કરે છે.
* ભેગા થતાં બ્લેક હોલ્સ અને ન્યુટ્રોન સ્ટાર્સમાંથી ગુરુત્વાકર્ષણના તરંગોની સીધી સાસિતી મળી શકે છે. તાજેતરમાં એકબીજામાં ભળી જાય તેવાં બાયનરી બ્લેક હોલ્સમાંથી જ વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણનાતરંગોની પ્રથમ સીધી ખોજ કરી છે.
* ગુરુત્વાકર્ષણના તરંગો પ્રકાશનાં તરંગોને પણ ખલેલ પહોંચાડે છે. ગમે તેવો વિશાળ બ્લેક હોલ માંથી ગુરુત્વાકર્ષણના તરંગો પસાર થાય તો પણ તેમનાંમાં કોઇપણ પ્રકારની ખલેલ પહોંચતી નથી.
* સ્ટીફન હોકિંગ, (જે જીવંત આઇનસ્ટાઇન ગણાય છે.) તેઓ બ્લેક હોલનાં નિષ્ણાંત ગણાય છે તેમણે ગુરુત્વાકર્ષણના તરંગોની શોધને વિજ્ઞાન ઇતિહાસની મહાન ઘટના અને મહત્ત્વની ક્ષણો તરીકે ઓળખાવી છે.
* ગુરુત્વાકર્ષણના તરંગોનાં કારણે બ્રહ્માંડને જોવાનો અને સમજવાનો દ્રષ્ટીકોણ બદલાઈ જશે.
* આલ્બર્ટ આઇનસ્ટાઇને તેની જનરલ થિયરી ઓફ રિલેટીવિટી લખી ત્યારે તેનાં મુખ્ય બે હિરો હતાં માયકલ ફેરાડે અને જેમ્સ મેકલવેલ પ્લાંન્ક
* લીગો દ્વારા ગુરુત્વાકર્ષણના તરંગોની જે નોંધ લેવાઈ છે. તે અવલોકનોનું નામ GW૧૫૦૯૧૪ છે.
* બ્લેક હોલ્સની સમજ આપતું ફિલ્ડ ઇક્વેશન ૧૯૧૬માં સ્વાર્ઝ ચાઇલ્ડે પ્રકાશિત કર્યું હતું.
* ૨૦૧૬માં થયેલ એસ્ટ્રો ફિજીકલનું આધુનિક સંશોધન બતાવે છે કે ''ડાર્ક મેટર''નાં કારણે ગુરુત્વાકર્ષણના તરંગોમાં વિકૃતિ પેદા થઈ શકે છે. જેનો હજી સુધી કોઈ સીધો પુરાવો મળ્યો નથી.

મચ્છરો સામેનું માનવીનું મહા-યુદ્ધ

મેલેરીયા- ડેન્ગ્યુ સામે આધુનિક હથિયારથી મોરચો...


ભારતે 'ઝિકા' વાયરસની રસી શોધી હોવાની રજૂઆત...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 'ઝીકા' વાયરસ સામે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઝીકા વાઇરસને લગતી માહિતી ગયા અંકમાં આપણે જોઈ ગયા છીએ. આ દરમ્યાન ભારતની બાયોટેક કંપનીએ 'ઝીકા' વાયરસ સામે અકસીર પુરવાર થાય તેવી 'રસી' શોધી કાઢી હોવાની જાહેરાત કરી છે. જો કે તેના વ્યાપારી ઉત્પાદન અને સરકારી મંજૂરી મેળવવામાં છ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. મચ્છરો, મનુષ્યો ઉત્ક્રાંતિના સાક્ષી રહ્યા છે. મનુષ્યને હજારો વર્ષથી તે સતાવી રહ્યો છે. પ્રાણીઓને પણ મચ્છરો કરડે છે આ ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે કે નાગ- સાપ જેવા પેટે સરકનારા પ્રાણીઓને પણ મચ્છર કરડે છે. માનવી અને મચ્છરો વચ્ચેનું અદ્રશ્ય મહાયુદ્ધ સદીઓથી ચાલી આવ્યું છે. હાલની સદીમાં તે ચરમસીમા પર પહોંચ્યું છે. મચ્છરો દ્વારા ફેલાતા મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીમાં વર્ષે દહાડે હજારો લોકો મૃત્યુ પામે છે. તેનો આંકડો આપણને ચોંકાવી મૂકતો નથી. મચ્છરોને નાથવાના મહાયુદ્ધમાં 'વિજ્ઞાાન' કેવા ખેલ ખેલી રહ્યું છે તેની વાત કરીએ તો...

મોસ્કીટો રિપેલન્ટ - રસાયણ શાસ્ત્રનો શસ્ત્ર તરીકે દેશી ઉપાય

મચ્છર સામેના મહાયુદ્ધમાં જ્યારે કોઈ પણ ઉપચાર કામ ન લાગે ત્યારે મચ્છરને કોઈ પણ હિસાબે દૂર રાખવા અથવા ભગાડવાની તરકીબ યોજવામાં આવે છે. 'મોસ્કીટ રિપેલેન' આવો ઉપાય છે. સદીઓ પહેલા માનવી મચ્છર ભગાડવા વિવિધ ઉપાય કરતો આવ્યો છે. કેટલાક પ્રાંતમાં નાળીયેરની છાલ અને પપૈયાના પાનનો ઉપયોગ મચ્છર ભગાડવા માટે થાય છે. ગુજરાતમાં લોકો લીમડાના પાનનો ધુમાડો કરે છે. અમેરિકામાં મૂળભૂત આદિવાસી પણ મચ્છરો દૂર રાખવા વિવિધ વનસ્પતિના તેલ વાપરતા આવ્યા છે. પર્સીયામાં પિરેથ્રમ ડેઇઝી વનસ્પતિનો ઉપયોગ થતો હતો એશિયા તરફ જવાના માર્ગે આ વનસ્પતિ આસાનીથી મળી રહેતી હતી. આ વનસ્પતિનો પાવડર નેપોલીયને યુદ્ધ દરમ્યાન મચ્છરો ભગાડવા માટે કર્યો હતો. આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધમાં માખીઓ અને લીખ- જૂનો ઉપદ્રવ દૂર કરવા માટે પણ આ પાવડર વપરાતો હતો.
આજના રાસાયણિક રિપેલન્ટમાં ટ્રાન્સફ્લુથ્રિ જેવું રસાયણ વપરાય છે. ૧૯૦૧માં અકસ્માતે સીટ્રોનેલા નામની ઔષધિના ગુણ મચ્છર ભગાડવા માટે ઉત્તમ છે તેવું જાણવા મળ્યું હતું. સીફોનોલાનું તેલ રિપેલન્ટમાં વપરાય છે. ૧૯૩૭માં ઇન્ડાલોન નામનું રસાયણ જીવજંતુઓ ભગાવવા માટે વિકસાવવામાં આવ્યું ત્યારબાદ રૃટજર્સ- ૬૧૨ નામનું કૃત્રિમ રસાયણ પેદા કરવામાં આવ્યું જે મચ્છરને ભગાડવા માટે વપરાવા લાગ્યું હતું. ૧૯૫૫ બાર વૈજ્ઞાાનિકોએ કાયઇથાઇલ નેટા ટોલ્યુમાઇડ નામનું મચ્છર / મારવા ભગાડવાનું રસાયણ શોધી કાઢ્યું હતું. જે DEET તરીકે ઓળખાય છે. હાલના ઘણાં ખરા ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત યુકેલીપ્ટસ ઓઇલ, પિકારીડીન, ડાઇમિથાઇલ ફેથેલેટ, ડાયમિથાઇલ કાર્બેટ અને ઇથાઇલ હેક્ષાનેડિયોલ મચ્છરો માટેની ક્રીમ વગેરેમાં વપરાય છે. મચ્છરો અનેક પ્રકારના રોગોના વાહકને મનુષ્ય શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. નાઇલફીવર, યલોફિવર, ચિકુન ગુનિયા, ડેગ્યું અને હાથીપગા જેવા રોગોના વાહકને મનુષ્યના માથે મારવાનું પાપ મચ્છરોના માથે લખાયેલું છે.

સુસાઇડ જીનથી સજ્જ બનેલા જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો...

એચ.જી. વેલ્સની ટાઇમ મશીનની નવલકથામાં ભવિષ્યની દુનિયામાં એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ હતા જે મનુષ્યની સેવા માટે જીનેટીકલી રિ-એન્જિનિયર્ડ કરેલા હતા. જુરાસિક પાર્ક નવલકથામાં ડાયનાસોરને નિયંત્રણમાં રાખવા માટે ખાસ ટેકનોલોજી અપનાવવામાં આવી હતી. આવી આધુનિક ટેકનોલોજીનું નામ છે 'રિલીઝ ઓફ ઇન્સેક્ટ કેરીંગ ડોમીનન્ટ લેથલ' ટુકમાં જે RIDC તરીકે ઓળખાય છે. આરઆઇડીએલના પૂર્વજો 'સીટ' એટલે કે સ્ટરાઇલ ઇન્સેક્ટ ટેકનોલોજી તરીકે ઓળખાય છે. રેમન્ડ બુશલેન્ડ અને એડવર્ડ નીપ્લીંગ નામના વૈજ્ઞાાનિકે સ્ટરાઇલ ઇન્સેક્ટ ટેકનોલોજી વાપરી હતી. રેડિયેશન દ્વારા ઇન્સેક્ટ (જંતુઓ)ને સ્ટાઇલ (બીનફળદ્રુપ) બનાવવામાં આવતા હતા. આવા જીવડાનો નર-માદા સમાગમ, નવા બચ્ચા પેદા કરવામાં નિષ્ફળ જતો હતો. મચ્છરોના ત્રાસથી બચવા માટે આ પ્રકારની ટેકનિક નવા સ્વરૃપે આવી છે. જેને જીનેટીકલી મોડીફાઇડ મોસ્કીટો કહે છે બ્રિટનની ઓક્સીટેક કંપનીએ જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો પેદા કર્યા છે જે માટે 'આરઆઇડિએલ' ટેકનોલોજી વાપરી છે.
જુરાસિક પાર્કના ડાયનોસેરના જૈનોમમાં લીસીન પ્રોટીનની ઉણપ હતી ઓક્સીરેકના મચ્છરોને બચાવવા માટે રેટ્રા- સાયઝનીન નામનું એન્ટીબાયોટીક જરૃર પડે છે. ઓક્સીરેક દ્વારા મોડીફાઇડ મચ્છરો પેદા કરવામાં આવ્યા છે. તેના શરીરમાં 'સુસાઇડ જીન' ઉમેરવામાં આવ્યું છે. જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો મુખ્યત્વે 'નર' તેમને જ્યાં ડેન્ગ્યુ, ચિકન ગુનિયા વગેરે ફેલાવતા હોય તેવા 'એડિસ ઇજીપ્તી' મચ્છરોનો ઉપદ્રવ હોય તેવા વિસ્તારોમાં છોડી મૂકવામાં આવે છે. મુખ્યત્વે 'માદા' મચ્છર મનુષ્યોને કરડે છે અને તે ડેન્ગ્યુ, ચીકન ગુનિયા વાયરસના વાહકનું કામ કરે છે. આવા વાયરસનો ચેપ તે મનુષ્યને લગાડે છે. જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો અને વાયરસ પ્રભાવિત ક્ષેત્રની માદાઓ સમાગમથી જે ઇંડા મૂકે છે તેમના જેનોમમાં વદારાનો 'સુસાઇડ જનીન' ભળેલો હોય છે. જેના કારણે ઇંડામાંથી લાર્વા બને ચે તે અવસ્થામાં લાર્વા વખતે જ આત્મહત્યા કરતા હોય તેમ મરી જાય છે. આમ કુદરતી રીતે જ મચ્છર પેદા થતા પહેલા મરી જાય છે. માદા મચ્છરનું આયુષ્ય ૧૫ દીવસનું છે. આ દરમ્યાન તે સામાન્ય રીતે એકવાર ઇંડા મૂકે છે. જીનેટીકલી મોડીફાઇડ મચ્છરો પેદા કરવાનો શ્રેય ઓક્સીરેડના વૈજ્ઞાાનિક પ્રો. લ્યુડ આલ્ફને જાય છે. તેમને ઇનોવેટર ઓફ ધ યર નામનો એવોર્ડ મળ્યો છે. બ્રાઝીલમાં જીનેટીકલી મોડીફાઇડ મચ્છરોના કારણે મચ્છરોની સંખ્યામાં ૮૫% ઘટાડો કરી શકાયો હતો.

'ઝીકા' વાયરસની રસી વિકસાવતું ભારત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીની જાહેરાત કરી છે જેના માટે મચ્છરો દ્વારા ફેલાતો 'ઝીકા' વાયરસનો ચેપ મુખ્ય ખલનાયક છે. વાઇરસ દ્વારા મનુષ્યને થતા તાવ અને રોગના લક્ષણોને અન્ય સારવારથી અટકાવી શકાય ચે પરંતુ ગર્ભવતી સ્ત્રીને તે લાગે તો 'ઝીકા' વાયરસનો ચેપ ખતરનાક સાબિત થયો છે. તેમના બાળક અવિકસીત મગજ સાથે જન્મ્યા છે. હૈદરાબાદમાં આવેલ ભારત બાયોટેક દ્વારા 'ઝીકા' વાયરસની વિશ્વની સૌ પ્રથમ રસી શોધી શકવાનો દાવો કર્યો છે. રસી માટેની પેટન્ટ પણ પાંચ મહિના પહેલા નોંધાવવા અરજી કરી દીધી છે. આજે વિશ્વના ૨૦ જેટલા લેટિન અમેરિકન દેશોમાં 'ઝીકા' વાયરસનો કાળો કેર વ્યાપ્યો છે. બ્રાઝીલમાં જ ૪૦૦ કરતા વધારે કેસોમાં બાળક અલ્પવિકસીત મગજ સાથે જન્મ્યા છે.
ભારત બાયોટેક દ્વારા બે પ્રકારની રસી શોધી હોવાનો દાવો કર્યો છે. આવનારા પાંચ મહિનામાં તેનો પ્રયોગ પ્રાણીઓ ઉપર થશે ત્યારબાદ તેના પ્રયોગો મનુષ્યો ઉપર થશે. કંપની ઇચ્છે છે કે, સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) આગળ આવે અને કંપનીને મદદ કરે જો રસીને મંજૂરી મળે તો કંપની ચાર મહિનામાં રીસના દસ લાખ ડોઝ તૈયાર કરી શકે છે. કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી છે કે તેઓ રસીના ફાસ્ટટ્રેક વિકાસ અને ડિલીવરી સિસ્ટમ વિકસાવવામાં મદદ કરે. જેનો સીધો ફાયદો બ્રિકલનો સભ્ય 'બ્રાઝિલ' માટે ખૂબ લાભદાયી બની શકે. રસી પાછળનું વિજ્ઞાાન કંઈક આવું છે.
પ્રથમ પ્રકારની રસીમાં ઝીકા વાયરસના ડીએનએના ચોક્કસ ટુકડો વાપરવામાં આવે છે જેને રિકોમ્બીનન્ટ ડીએનએ કહે છે. જેના કારણે મનુષ્યમાં ખાસ પ્રકારની તેના પ્રતિરક્ષણ પ્રણાલિ માટે વિશિષ્ટ પ્રકારનો પ્રતિભાવ પેદા થાય છે. આ પ્રકારની રસી પેદા કરવી સરળ અને સહેલી છે પરંતુ પ્રયોગોમાં એ જોવામાં આવ્યું છે કે, આવી રસીના કારણે અતિશય મજબૂત પ્રતીક્ષા પ્રણાલિના રિએક્શન જેવો પ્રતિભાવ જોવા મળતો હોય છે.
બીજા પ્રકારની રસીમાં આ ઝીકા વાયરસનું નિષ્ક્રિય વર્ઝન એટલે કે 'ઇનએક્ટીવ' સ્વરૃપ તૈયાર કરવામાં આવે છે જે નુકસાનકારી ન હોય જેના કારણે રસી સ્વરૃપે મનુષ્યને આપવામાં આવે ત્યારે વાયરસ વૃદ્ધિ પામીને વાયરસની સંખ્યામાં વધારો કરતા નથી અને તેનું કોઈ કોષમાં ઇન્ફેક્શન કે ચેપ લાગતું નથી. આમ છતાં મનુષ્યની રોગ પ્રતિરક્ષા પ્રણાલી વાયરસ સામે લડવા ખાસ પ્રકારનો પ્રતિભાવ પેદા કરે છે જેના કારણે જીવંત અને ચેપી વાયરસ સામે શરીરની રક્ષા પ્રણાલી લડી શકે છે...આ પ્રકારની રસી વધારે સફળતા આંક આપ છે.

માદા મચ્છરને નર મચ્છરમાં બદલી નાખી

નાકામ કરી આપતું 'એક્સ ચેન્જ સ્વીચ' રોગનું વિષાણુ ફેલાવવામાં માદા મચ્છર એડિસી ઇજીપ્તીનો મુખ્ય રોલ છે. આ પ્રજાતિનો નર મચ્છર મનુષ્યને કરડતો નથી. માદા મચ્છર મનુષ્યને મોટા ભાગે દિવસ દરમ્યાન કરડે છે. માદા મનુષ્યને એટલા માટે કરડે ચે કારણ કે તેના ઇંડાના વિકાસ માટે મનુષ્ય લોહી આવશ્યક છે. વૈજ્ઞાાનિકોને વિચાર આવ્યો કે જો નર મચ્છર મનુ,્યને કરડતા ન હોય તો માદા મ્ચછરને નર મચ્છરમાં ફેરવી નાખતી જીનીટીક સ્વીચ શોધી કાઢવામાં આવે તો, માદા મચ્છરને નરમાં ફેરવી નખાય અને નર મનુષ્યને કરડે નહિ. જો મચ્છર જ ન કરડે તો ડેન્ગ્યુ, ચિકન ગુનિયા કે ઝીકા જેવા વાયરસનો ચેપ મનુષ્યને લાગે જ નહીં.
આ વાત વર્જિનિયા ટેકનોલોજીના ફાલીન લાઇફ સાયન્સના વૈજ્ઞાાનિકોએ સાચી પાડી છે. તેમણે મચ્છર પ્રજાતિની જાતિ બદલી શકાય તે માટે જરૃરી જનીન શોધી કાઢ્યા છે. આ જનીનીય સ્વીચને તેમણે 'નિક્ષ' નામ આપ્યું છે.
વૈજ્ઞાાનિક અભિપ્રાય મુજબ આ સ્વીચ મચ્છરના બ્લેક હોલ જેવા ભાગમાં આવેલી છે. કોઈ પણ જીવડામાં સેક્ સ્વીચીંગ માટે જવાબદાર સિસ્ટમ શોધાયાની વિશ્વની આ પ્રથમ ઘટના છે. સંશોધન લેખ સાયન્સ એક્સપ્રેસમાં છપાયો હતો. વૈજ્ઞાાનિકો માને છે કે મચ્છરો સામેના મનુષ્યના મહાયુદ્ધમાં 'નિક્ષ' અમોઘ શસ્ત્ર પુરવાર થશે.
નિક્ષ માટે તો જવાબદાર જનીન પુરુષો માટેના રૃરંગસૂત્ર જેવા વિસ્તારમાં મળી આવે છે. આ વિસ્તારને 'એમ સેક્સ' કહે છે. સરળ ભાષામાં 'નર લાક્ષણિકતા' માટે જવાબદાર ક્ષેત્ર કહી શકાય. આ વિસ્તારમાંથી ચોક્કસ જનીન અલગ તારવવા મુશ્કેલ છે. કારણ કે વિવિધ જનીનોની કોડેડ માહિતીનું અસંખ્યવાર અહીં પુનરાવર્તન થાય છે. વૈજ્ઞાાનિકોએ મચ્છરોના ગર્ભમાં 'નિક્ષ' ઉમેરવાના પ્રયોગો કર્યા છે. પ્રયોગોના પરિણામે બે તૃતિયાંશ ભાગના માદા ગર્ભનો વિકાસ નર તરીકે થયો હતો. વિકસિત થયેલા નર મચ્છરના જેનોમમાંથી ક્રાંતિકારી જનીન એડિટીંગ ટેકનિક CRISPR CAS-9 નો વડે 'નિક્ષ' દૂર કરવામાં આવ્યું ત્યારે નર મચ્છરો ફરી વાર માદા મચ્છરમાં ફેરવાઈ ગયા હતા આમ વૈજ્ઞાાનિકોને મચ્છરો 'માદામાંથી નર' અથવા નરમાંથી માદા બનાવવાની જીનેટી સ્વીચ મળી ગઈ છે. મુખ્ય સવાલ એ છે કે પ્રયોગશાળામાં નહી પરંતુ પ્રાકૃતિક ક્ષેત્રોમાં ઉછેરાતા મચ્છરોનાં ગર્ભમાં જથ્થાબંધના ભાવે 'નિક્ષ' જનીનો ઉમેરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો !

પહેલાં ચિકન ગુનિયા, પછી, ડેન્ગ્યુ અને... હવે ''ઝીંકા'' વાયરસ...

''ઈબોલા'' વાયરસનો હાહાકાર માંડ માંડ શમ્યો છે ત્યાં, નવી આફતનાં સમાચાર આવી રહ્યા છે..

''બ્રાઝીલમાં બાળકો નાના મગજ સાથે જન્મી રહ્યાં છે''

ઝીકા વાયરસ :- ખતરાનું નવું નામ

માની લો કે એક વર્ષ પહેલેથી તમે તમારા ગમતા ડેસ્ટીનેશન ટાપુ પર રોમેન્ટીક ટુર પર જવા માંગો છો. હજારો રૃપિયા ખર્ચીને ક્રુઝ શીપમાં બુકીંગ કરાવ્યું છે અને... અચાનક તમારે તમારી ટુર કેન્સલ કરવી પડે તો કેવું લાગે ? આવા જ હાલ અને મનોસ્થિતિ બ્રિટીશ કપલ કાયલી બોવી અને રિચાર્ડ બુટની છે. તેમણે ચાર હજાર પાઉન્ડ ખર્ચીને રોયલ કેરેબીયન ક્રુઝની બાર રાત્રીની મુસાફરી બુક કરાવી હતી. જેમાં હેઇટી, પોર્ટોરીકો, સેન્ટ માર્ટીન, માર્ટીનીક અને બાર્બાડોસા ટાપુઓની મુલાકાત લેવાનું નક્કી હતું. મિસ બોવી બાળક પેદા કરવાની ઈચ્છા ધરાવતી સ્ત્રી છે. તેણે ખાસ ગર્ભાધાન થાય તે માટે પતિ સાથે મળીને કેરેબીયન ટાપુઓની રોમેન્ટીક ટુર નક્કી કરી હતી. ગર્ભવતી થવા માટે તેણે ક્લોમીથીન નામનું ફર્ટીલીટી ડ્રગ લેવાની શરૃઆત પણ કરી હતી. જેથી તેનાં અંડાશયમાંથી મુક્ત અંડકોષ મુક્ત થાય અને ગર્ભ રહી જવાની શક્યતામાં વધારો થાય. એક સવારે તેઓ મોબાઇલની બીબીસી ન્યુઝ એપમાં ઝીકા વાયરસનાં આઉટબ્રેકનાં સમાચાર વાંચે છે. અને તેમનાં સપનાં રોળાઇ જાય છે. તેઓ તેમનો ટુર પ્રોગ્રામ કેન્સલ કરે છે. કારણ ? કેરેબીયન ટાપુ ઉપર ઝીકા નામનાં વાયરસનો કાળો કેર વર્તાયેલો છે. એક નવી મહામારી - બીમારીને ઝીકા વાયરસે જન્મ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને દુનિયાને ઝીકા વાયરસથી બચવાનાં ઉપાય કરવાની ચેતવણી આપી છે. કારણ કે ઝીકા વાયરસનો આઉટબ્રેક વિશ્વનાં લોકોને માટે ખતરાંની ઘંટડી વગાડે તેવો છે.

ઝીકા વાયરસને સૌપ્રથમ યુગાન્ડામાં ૧૯૪૭માં વાનરનાં શરીરમાં ઓળખી કાઢવામાં આવ્યો હતો. મનુષ્યમાં 'ઝીકા' વાયરસનો ચેપનો કેસ ૧૯૫૪માં નાઈજીરીયામાં નોંધાયો હતો. ત્યારબાદ વાયરસની મહામારી ''આઉટબ્રેક'' આફ્રીકાના દેશો, દક્ષિણ પૂર્વ-એશીયા અને પ્રશાંત મહાગારનાં ટાપુઓમાં જોવા મળ્યો હતો. ૧૯૭૭-૭૮માં પાકિસ્તાન, મલેશીયા અને ઈન્ડોનેશીયામાં પણ વાયરસની હાજરી જોવા મળી હતી. ૨૦૦૭માં     ...., માઇકોનેશીયામાં વાયરસ પહોંચ્યો હતો. ૨૦૧૩માં ફ્રેન્ચ પોલીનેશીયામાં વાયરસે પોતાનું અસ્તિત્વ છતું કર્યું હતું. હવે ૨૦૧૫થી તે બ્રાઝીલ અને આસપાસનાં વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. અમેરીકામાં 'ઝીકા' વાયરસનાં મેપનાં ૨૦ કેસ નોંધાયા છે. વિશ્વમાં મચ્છરોનાં ઉપદ્રવમાં ક્રમાંકે ભારત આવે છે. આ કારણે 'ઝીકા' વાયરસને ભારતમાં ફેલાતાં વાર લાગે તેમ નથી. આજકાલ હવાઇ મુસાફરીનાં કારણે વાયરસનો ચેપ વિવિધ દેશોની સરહદ ઓળંગીને  ગણતરીનાં દિવસોમાં વિશ્વભરમાં ફેલાઇ શકે છે.
   ઝીકા વાઇરસ ''ફ્લેવીવીટીડી'' વર્ગનો વાયરસ છે. જે ઝીકા નામનો તાવ પેદા કરે છે. પહેલાં આ વાયરસને બહુ ગંભીર માનવામાં આવતો ન હતો. બ્રાઝીલમાં થયેલ ''ઝીકા વાયરસ આઉટબ્રેક'' બાદ વિશ્વની સ્વાસ્થ્ય સંસ્થાઓ હવે તેને ગંભીરતાથી લેવા લાગી છે. ઝીકા વાયરસનો સીધો સંબંધ ડેંગ્યુ, યલો ફીવર, જાપાની એન્સેફેલીટીસ (હાથીપગા) અને વેસ્ટ નાઇલ વાયરસ સાથે છે. ઝીકાનો ચેપ, ડેન્ગ્યુ વાયરસથી પેદા થતાં તાવનાં લક્ષણો પેદા કરે છે.
હાલમાં નવજાત શીશુમાં જોવા મળતી મગજના અલ્પ વિકાસની   સમસ્યા માઇક્રોસિફાલી માટે ''ઝીકા'' વાયરસને જવાબદાર ગણવામાં આવ્યો છે.
આ ખામી સાથે ઝીકા વાયરસનાં સીધા સંબંધની વૈજ્ઞાાનિકોએ
તપાસ કરી નથી પરંતુ, ''માઇક્રોસિફાલી''થી મૃત્યુ પામનાર બાળકોનાં મગજમાં 'ઝીકા' વાયરસની હાજરી જોવા મળી છે.

મચ્છરો : વિવિધ વાયરસનાં ખતરનાક વાહક

ઝીકા અને ડેંગ્યુ જેવા વાયરસને દીવસ દરમ્યાન સક્રીય રહેતાં મચ્છરની પ્રજાતિ એડિસ ઈજીપ્તી ફેલાવે છે. વાયરસ મચ્છરનાં શરીરમાં પ્રવેશ્યા બાદ માત્ર દસેક દિવસમાં જ સક્રીય બની જાય છે. ઝીકા વાયરસ, એઈડ્સનાં વાયરસની માફક સેક્સ-સમાગમ વડે ફેલાઈ શકે છે. ગર્ભવતી માતાને લાગેલ વાયરસનો ચેપ તેનાં ગર્ભાશયનાં વિકસતા ગર્ભસ્થ શિશુને પણ લાગી શકે છે. 'ઝીકા' નામ ઝીકા જંગલ પરથી રાખવામાં આવ્યું છે. જેનો આફ્રીકાની યુગાન્ડા ભાષામાં અર્થ થાય ''વધારે વિકસીત''.
વિષુવવૃત્તનાં પ્રદેશોમાં ''એડિસ ઈજીપ્તી'' મચ્છરોનાં અસ્તિત્ત્વની ઘટના સામાન્ય છે. વિશ્વનાં જે દેશોમાં 'ડેંગ્યુ'નો ઉપદ્રવ છે. ત્યાં 'ઝીકા' વાયરસ ફેલાવાની શક્યતા વધારે છે. કારણ કે બંને વાયરસનાં વાહક મચ્છરો એક જ છે ''એડિસ ઈજીપ્તી''. આ ઉપરાંત એશીયન ટાઈગર મોસ્કીટો નામે ઓળખાતી મચ્છરની એક પ્રજાતી 'એડિસ એલ્બોપિક્ટસ' પણ ઝીકા વાયરસનો વાહક બને છે. એશીયાના હૂંફાળા વાતાવરણમાં આવા મચ્છરો જોવા મળે છે. 'એડિસ એલ્બોપિક્ટસ'ની ઠંડી સહન કરવાની ક્ષમતા વધારે હોવાથી બેલ્જીયમ, નેધરલેન્ડ જેવાં યુરોપનાં દેશોમાં પણ તે પગ પેસારો કરી શકે છે. મચ્છરો ડેંગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા જેવાં વાયરસનો ફેલાવો કરે છે. દર વર્ષે દુનિયામાં ૪૦ કરોડ લોકોને ડેંગ્યુ વાયરસનો રોગ લાગે છે. નર અને માદા બંને પ્રકારના, એડિસ ઈજીપ્તીનાં મચ્છરો વનસ્પતિનાં કોષરસ ઉપર જીવે છે. પરંતુ માદાને ઇંડા મુકવા માટે 'લોહી'નાં ખોરાકની જરૃર પડે છે. જે મોટાભાગે મનુષ્ય અથવા પ્રાણીમાંથી મળે છે. માદા એડેસ ઈજીપ્તી મચ્છરો દિવસ દરમ્યાન કરડે છે. મચ્છર કરડવાથી વાયરસનો ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ઝડપથી લાગે છે. આવા મચ્છરો ડંખ મારી ઓછું લોહી ચુસે છે પરંતુ વધારે લોકોને કરડે છે. મહત્ત્વની વાત અને સારી વાત એ છે કે ''આ વાયરસનો ફેલાવો કરનારાં મચ્છર આળસુ પ્રકૃતિનાં છે. તેઓ ઉડીને વધારે દૂર જતાં નથી. આ કારણે વાયરસનો ચેપ વધારે દૂર ફેલાતો નથી. એડેસ ઈજીપ્તી જ્યાં જન્મે તેનાથી ૧૦૦ મીટર કરતાં વધારે દૂર જતાં નથી. ભારતમાં 'ઝીકા' વાયરસનો ચેપ લાગવાની સંભાવના ખુબ જ વધારે છે.

જ્યાં જીનેટીકલી મોડીફાઈડ મચ્છરોને છોડવામાં આવ્યા
હતાં ત્યાં જ, 'ઝીકા' આઉટબ્રેકનું 'એપી સેન્ટર' છે

ઉર્લ્લંની આંતરરાષ્ટ્રીય કમીટીએ તારણ આપ્યું છે કે ' બ્રાઝીલનાં બાળકોમાં જોવા મળેલ અલ્પવિકસીત માથા અને ન્યુરોલોજીકલ ખામીઓ માટે 'ઝીકા' વાયરસ જોડાએલો હોવાની શક્યતાઓ પ્રબળ છે.'
બ્રાઝીલ હાલમાં ઝીકા વાયરસનાં આઉટબ્રેકનું એપી સેન્ટર માનવામાં આવે છે. અહીં ઓક્ટોબર-૨૦૧૫થી અત્યાર સુધી અલ્પવિકસીત મગજ/માથા સાથે જન્મેલ બાળકોની સંખ્યા ૪૦૦૦ કરતાં ઉપર પહોંચી છે. આ ઘટનાની તપાસ થતી હોય ત્યારે બધી જ બાબતો ચકાસી લેવી જોઈએ.ઓક્સીરેટ-ઓક્સફોર્ડ બ્રિટનમાં આવેલ બાયો-ટેક કંપની છે. જેણે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ફેલાવો અટકાવે તેમાં જીનેટીકલી મોડીફાઈડ મચ્છરોની નવી પ્રજાતિ પેદા કરી છે. જેનાં મુળમાં 'એડિસ ઈજીપ્તી' મચ્છરો છે. જેવો વિકાસ ઓક્સફોર્ડ યુનિવર્સીટીનાં પ્રો-લુક એલ્ફેયે કર્યો હતો. ભારતની ખાનગી કંપની ગંગાભિષણ ભીખુલાલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડીંગ પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ ઓક્સીટેક સાથે કરાર કર્યા છે અને ભારતમાં મેલેરીયા અને ડેન્ગ્યુનાં મચ્છરોનો ખાત્મો બોલાવવા માટે જીનેટીકલી મોડીફાઈડ 'નર' મચ્છરોની આયાત કરશે. નર મચ્છરમાં  ર્ંઠ૫૧૩છ નામનું જનીન ઉમેરવામાં આવ્યું છે. જેનાં કારણે નર મચ્છર નપુંસક બની જાય છે. છુટા મુકેલા ય્સ્ મચ્છરો, અન્ય માદા સાથે સમાગમ કરીને જે ઈંડા મુકે છે. તે ઇંડા 'લાર્વા' બનવાની અવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેમને જીવતાં રાખવા હોય તો 'ટેટ્રા સાયક્લીન' દવા આપવી પડે. જે કુદરતી અવસ્થામાં ઉપલબ્ધ નથી. જે વિસ્તારમાં 'એડેસ ઈજીપ્તી'નો પ્રકોપ વધારે હોય ત્યાં આવા મચ્છરો છોડવાથી તેમની સંખ્યા ઘટી શકે છે. એડેસ ઈજીપ્તીનો જીવનકાળ માત્ર ૧૫ દિવસનો છે. આ ટેકનોલોજી માટે પ્રો. આલ્ફેયને ઈનામો પણ મળ્યા છે.યાદ રહે કે ઓક્સીરેટનાં જીનેટીકલી મોડીફાઈડ મચ્છરોનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરવામાં, વિશ્વમાં પ્રથમ દેશ 'બ્રાઝીલ' બન્યો છે. અહીં જ 'ઝીકા' વાયરસનો હાહાકાર મચ્યો છે. આ શું સુચવે છે. જીનેટીકલી મોડીફાઈડ મચ્છરો 'ઝીકા' વાયરસનાં ફેલાવા માટે જવાબદાર છે? શું જીનેટીકલી મોડીફાઈડ મચ્છરો, જે કામ માટે તેમને પેદા કરવામાં આવ્યા હતાં, તે કામ કરવામાં નિષ્ફળ ગયા છે? જવાબ માત્ર વૈજ્ઞાાનિકો જ આપી શકે છે.

માઈક્રોસિફાલી : ''ઝીકા'' વાયરસે આપેલ કુદરતી ભેટ

તાજેતરમાં ઝીકા વાયરસે લોકોનું ખુબજ ધ્યાન ખેચ્યું છે. મચ્છરથી ફેલાતાં 'ઝીકા' વાયરસને જન્મનારાં ગર્ભસ્થ શીશુનાં મગજનો વિકાસ કુંઠીત થઈ જાય છે અને બાળક ન્યુરોલોજીકલ બર્થ ડિફેક્ટ લઈને જન્મે છે. ઝીકા વાયરસનો ચેપ ગર્ભસ્થ મહિલા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેનું જન્મનાર બાળક અલ્પવિકસીત મગજ અને ચેતાતંત્ર સંબંધી ખામીઓને લઈને જન્મે છે. તાજેતરમાં બ્રાઝીલમાં ચાર હજાર કરતાં વધારે બાળકો ચેતાતંત્રની ખામી 'માઈક્રોસીફેલી' લઈને જન્મ્યા છે. માઈક્રોસીફેલી એક એવી ખામી છે. જેનાં કારણ શીશુનું માથું અસામાન્ય રીતે અત્યંત નાનું હોય છે. ટુંકમાં ગર્ભાવસ્થા દરમ્યાન તેનો પુરો વિકાસ થયો હોતો નથી. આ ખામીનાં કારણે ભવિષ્યમાં શારીરિક વિકાસની સમસ્યા પેદા થાય છે અથવા બાળકનું મૃત્યુ નિપજે છે. ૨૦૧૪માં આવાં કેસોની સંખ્યા બ્રાઝીલમાં ૧૫૦ હતી. જે વધીને ૪૦૦૦ કરતાં આગળ વધી ગઈ છે. આ મગજનાં અલ્પ વિકાસ માટે જવાબદાર છે. 'ઝીકા' વાયરસ. આવી ખામીવાળા બાળકો 'પીનહેડ' તરીકે ઓળખવામાં આવે છે.
''માઈક્રોસિફાલી'' જેવી મગજની અવિકસીત અવસ્થા માટે જીનેટીક ડિફેક્ટ જવાબદાર ગણવામાં આવે છે. કેટલાક ડ્રગ્સનાં કારણે પણ આ ખામી પેદા થઈ શકે છે. રેડિયેશનની અસર, માતાને મળતો પોષણનો અભાવ, ગર્ભાવસ્થા દરમ્યાન 'ડાયાબીટીસ'ને નિયંત્રણમાં ન રાખવામાં આવ્યો હોય, કે ગર્ભાવસ્થામાં વિકાસ માટે નડતી મુશ્કેલીનાં કારણે અલ્પ વિકસીત મગજની બીમારી 'માઈક્રોસિફાલી' થઈ શકે છે. જો કે તાજેતરમાં બ્રાઝીલમાં જોવા મળેલ આવા રોગનાં કિસ્સા પાછળ મચ્છર દ્વારા ફેલાતો 'ઝીકા' વાયરસનો ચેપ કેન્દ્ર સ્થાને છે. એક વાત યાદ રહે કે ગ્લોબલ વાર્માગ જેવી ઘટનાનાં કારણે વાયરસનો વ્યાપ વધી રહ્યો છે. 'ઈબોલા' બાદ, 'ઝીકા' નામનો વાયરસ તેનો ત્રાસ ફેલાવવા આવી ગયો છે

પોલોનિયમ-૨૧૦

રશિયન જાસૂસ એલેકઝાન્ડર લિટ્વિનેન્કોની હત્યાનું કારણ..

દુનિયાનો,ઝેરી અસર પેદા કરનાર સૌથી મોંઘો પદાર્થ
 માત્ર એક ગ્રામ જેટલો જથ્થો ૨૫ કરોડ લોકોને મારી શકે છે
 જો ત્રાસવાદી લોકોનાં હાથમાં જાય તો, હાહાકાર મચી જાય

બ્રિટનમાં આજકાલ રશિયન જાસુસના હત્યાનો મામલો ગરમાએલો છે. એલેકઝાન્ડર લીટ્વિનેન્કો નામના રશિયન જાસુસની હત્યા, દુનિયાના સૌથી મોંઘા ઝેર વડે કરવામાં આવી હતી. જાસુસના હત્યાની સાથે સાથે પોલોનિયમ-૨૧૦ નામનું ઝેર પણ સમાચારોમાં અને મીડીયામાં છવાયેલું છે. જાસુસના મૃત્યુના એક દાયકા બાદ, તેના મૃત્યુને લગતો સ્વતંત્ર ઇન્કવાયરી રિપોર્ટ બ્રિટનમાં પ્રકાશિત થયો છે. રશિયન જાસુસની જીંદગી, જેમ્સ બોન્ડની ફિલ્મો જેવી રંગીલી નથી. પોતાની જીંદગીને દાવ પર લગાવીને રશિયન નાગરીકે દેશ સેવા કરી હતી. એ રશિયા દ્વારા જ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું અનુમાન છે. શા માટે રશિયન જાસુસને દુનિયાનું સૌથી કાતિલ ઝેર અતિ- અલ્પ માત્રામાં આપવામાં આવ્યું હતું ? આ સવાલ કરતાં પોલોનિયમ ૨૧૦ શું છે ? એ વાત વિજ્ઞાાનની નજરે જોતા વધારે મહત્વની છે. પોલોનિયમ-૨૧૦ એક રેડિયો એક્ટીવ પદાર્થ છે. તેના દ્વારા મનુષ્યની હત્યા પણ થઇ શકે એ વાત, સામાન્ય માનવી જાણતા નથી. આ રહી પોલોનિયમ-૨૧૦ની વિજ્ઞાન કથા.

એલેકઝાન્ડર લિટ્વિનેન્કો : રશિયન જાસુસની જીંદગી

એનું પુરુ નામ છે. એલેકઝાન્ડર વાલ્ટેરોવિચ લિટ્વિનેન્કો. જે રશિયાની સિક્રેટ એજન્સી ''એફએસબી'' માટે કામ કરતો હતો. એફએસબી રશિયન ભાષાના નામના પ્રથમ મુળાક્ષર છે. જેનો અંગ્રેજી અર્થ થાય ''ફેડરલ સિક્યુરીટી સર્વિસ ઓફ રશિયન ફેડરેશન. અમેરીકાની 'એફબીઆઇ' જેવું કામ કરતી એજન્સી એટલે 'એફએસબી' જેવું કાર્યક્ષેત્ર રશિયાનાં આંતરિક ભાગ પુરતું સિમિત છે. રશિયાની કુખ્યાત જાસુસી સંસ્થા ''કેજીબી''નું તે સીધું જ સંતાન છે. જે દેશમાં સુઆયોજીત અને સંગઠીત કાળા કુકર્મો કરવા માટે જાણીતી છે. રશિયન કાયદા પ્રમાણે એફએસબી લશ્કરી સેવા છે. પરંતુ તેના અધિકારીઓ લશ્કરી ગણવેશ પહેરતા નથી.
૧૯૮૬માં એલેકઝાન્ડરની ભરતી 'કેજીબી' માટે કરવામાં આવી હતી. ૧૯૮૮માં તે 'મિલીટરી કાઉન્ટર ઇન્ટેલીજન્સ'માં આગળ પડતા હોદ્દા ઉપર આવ્યો હતો. રશિયા અને ચેચેન્વા વચ્ચે અશાંતિ ચાલતી હતી ત્યારે લિટ્વિનેન્કોએ અનેક રશિયનને અહી એજન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ૧૯૯૭માં એલેક્ઝાન્ડર એફએસબીના એનાલીસીસ એન્ડ સપ્રેશન ઓફ કિમ્રીનલ ગુ્રપનો ડિરેક્ટર બન્યો હતો. અહી તેને રશિયાના ટોપ લેવલના વ્યક્તિઓના ગુનાઓ, રશિયન માફીયાઓ સાથેનાં સંબંધોની ખબર પડી હતી. ૧૯૯૮માં નિકોલાય કોવાષ્યોવના સ્થાને 'એફએસબી'ના વડા (ડિરેક્ટર) તરીકે વ્લાદીમીર પુતીન હાલના રશિયન પ્રમુખ આવ્યા હતા. હવે લિટ્વિનેન્કો પુતિનના હાથ નીચે કામ કરવા લાગ્યો હતો. તેણે એફએસબીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે પુતિનને જાણકારી હતી. ૧૯૯૮માં એફએસબીએ રશિયાના બીઝનેસ મેન, ઇજનેર અને ગણીતશાસ્ત્રી બોરિસ બેરેઝોવસ્કીની હત્યાનાં હુકમ કર્યા હતા. બોરિસ બેરેઝોવસ્કીએ વાતને મીડીયા સમક્ષ મુકી હતી. તેના ચાર દિવસ બાદ લિટ્વિનેન્કો અને ચાર અન્ય અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બોરીક્ષની હત્યાની વાતને સમર્થન આપ્યું હતું.
એફએસબીએ લિટ્વિનેન્કોને સેવામાંથી ડિસમીસ કરી નાખ્યાં હતા. ૨૦૦૦ની સાલમાં લિટ્વિનેન્કોએ કુટુંબ સાથે ભાગીને બ્રિટનમાં રાજકીય આશ્રય મેળવ્યો હતો. અહી તેણે લેખક, પત્રકાર તરીકે કામ શરૃ કર્યું હતું. આ ઉપરાંત બ્રિટનની જાસુસી સંસ્થા એમઆઇ-૫ અને એમઆઇ-૬ માટે પણ કામ શરૃ કર્યું હતું. ૨૦૦૨માં રશિયાએ લિટ્વિનેન્કોને તેની ગેરહાજરીમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સાડા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી. લંડનમાં તેણે 'બ્લોઇંગ અપ રશિયા'નામની બુક લખી જેણે રશિયાના અનેક રાજકીય ભૂકંપ સર્જ્યા હતા. જેમાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિન ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. એફએસબીએ પુતિનને રાષ્ટ્ર પ્રમુખ બનાવવા જે ત્રાસવાદી કૃત્યો કર્યા હતા. તેનો ભાંડો લિટ્વિનેન્કોએ ફોડયો હતો. ૨૦૦૬માં પુતિને રશિયન પત્રકાર આના પોલીત્કોવાસ્કયાની હત્યાના આદેશ આપ્યા હતા. લિટ્વિનેન્કો હવે 'એફએસબી' અને પ્રમુખ 'પુતિન'નો પરોક્ષ રીતે દુશ્મન બની ચૂક્યો હતો. જે આગળ જતાં તેનાં જ મોત અને હત્યાનું કારણ બન્યાં. ૨૦૦૬માં તેને પોલોનિયમ-૨૧૦ નામનું કાતિલ ઝેર આપવામાં આવ્યું હતું. તેના ત્રણ અઠવાડિયા બાદ તેનું મૃત્યુ થયું હતું. પોલોનિયમ દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે. લિટ્વિનેન્કોને મારી નાખવા વપરાયેલ પોલોનિયમ-૨૧૦ના જથ્થાની કિંમત બ્લેક માર્કેટમાં ૨.૫૦ કરોડ અમેરિકન ડોલર છે. જેની માત્રા ૧૦ મીલીગ્રામ પણ ન'હતી.

ફેકટ ફાઇલ : પોલોનિયમ-૨૧૦

પોલોનિયમ-૨૧૦ ને લગતી માહીતી 'ફાસ્ટ ફોરવર્ડ'માં જોઇ લઇએ.પોલોનિયમ-૨૧૦ દુર્લભ રેડિયોએક્ટીવ ધાતુ છે. જેની શોધ મેરી ક્યુરી એ કરી હતી.
તેનો અર્ધજીવનકાળ (હાલ્ફ લાઇફ) ૧૩૮ દિવસનો છે.
રેડિયો એક્ટીવ અવસ્થામાં તે આલ્ફા પાર્ટીકલ મુક્ત કરે છે.આલ્ફા પાર્ટીકલ ખૂબ જ ઉચ્ચ ઊર્જા ધરાવતું રેડિયેશન છે. પરંતુ તે બહુ લાંબા અંતર સુધી જઇ શકતું નથી. તેને માત્ર પાતળા કાગળની સીટ વડે પણ રોકી શકાય છે.
પોલોનિયમ-૨૧૦ શરીરમાં પ્રવેશે ત્યારે જ કાતિલ ઝેરની અસર બતાવે છે.
હાઇડ્રોજન સાઇનાઇડ કરતાં પણ પોલોનિયમ વધારે કાતિલ ઝેર છે. સાઇનાઇડનો ૨૫૦ મીલીગ્રામ જથ્થો મનુષ્યનું મોત ઉપજાવે છે.જ્યારે પોલોનિયમ-૨૧૦નું માત્ર એક માઇક્રોગ્રામ જથ્થો મનુષ્યને મોત આપવા માટે કાફી છે. આ હિસાબે  સાઇનાઇડ કરતાં તે ૨૫૦ ગણુ વધારે કાતીલ છે.
વ્યાપારી ધોરણે લોકોને મારવા માટે પોલોનિયમ બજારમાં મળતું નથી. તેનું ઉત્પાદન ન્યુક્લીયર રિએક્ટરમાં થાય છે. વિશ્વનાં બધા જ પરમાણુ રિએક્ટરમાંથી એક વર્ષમાં માત્ર ૧૦૦ ગ્રામ પોલોનિયમ મળે છે.
રશિયા તેના રિએક્ટરમાંથી વર્ષે દહાડે વિશ્વનું સૌથી વધારે (ખરા અર્થમાં ઓછું) એટલે કે ૮૫ ગ્રામ પોલોનિયમ પેદા કરે છે. બાકીનું ૧૫ ગ્રામ પોલોનિયમ  વિશ્વના અન્ય દેશો પેદા કરે છે.
પોલોનિયમ ગામા રેડિયેશન નહી પરંતુ આલ્ફા પાર્ટીકલ મુક્ત કરે છે. એરપોર્ટ કે સિક્યોરીટી ચેકીંગમાં તેની હાજરી પકડી શકાતી નથી કારણ કે ગીઇગર કાઉન્ટર માત્ર ગામા રેડિયેશન પકડી શકે છે. આલ્ફા પાર્ટીકલને નહી આલ્ફા પાર્ટીકલ ધન આયન છે.પોલોનિયમ શરીરમાં પ્રવેશી જે અસર બતાવે છે તેને મેડિકલની ભાષામાં એક્યુટ રેડિયેશન સિન્ડ્રોમ કહે છે.
અમેરિકા અને બ્રિટને પોલોનિયમનું ઉત્પાદન ૧૯૭૦ના દાયકાથી બંધ કરી નાખ્યું છે. માત્ર રશિયાનો આવાનગાર્ડ ન્યુક્લીયર પ્લાન્ટ હાલમાં પોલોનિયમનું ઉત્પાદન કરે છે. જે રશિયાના સારોેવ શહેર પાસે આવેલ છે.
ધૂમપાન કરનારા લોકોનાં ફેફસામાં અતિ અલ્પ માત્રામાં પોલોનિયમ જમા થાય છે. શરીરમાં ગયેલ પોલોનિયમનો ૧૦% જથ્થો લોહી, ૩૦ ટકા લીવર, ૧૦ ટકા બોનમેરો, ૧૦ ટકા કીડની અને ૫ ટકા બરોળમાં શોષાય છે.
પોલોનિયમ  કેન્સર પેદા કરનાર પદાર્થ કાર્સીનોજેન છે.
એક ટન યુરેનિયમનાં ખનીજ માંથી માત્ર ૦.૦૦૦૧ ગ્રામ પોલોનિયમ મળે છે.

મેડમ મેરી ક્યુરીની મહત્વાકાંક્ષી શોધ

પોલોનિયમ-૨૧૦ એક ઉચ્ચકક્ષાનું રેડિયોએક્ટીવ તત્વ છે. જે સૌથી વધારે ઝેરી પદાર્થ છે. જો કે તેનું ઝેર, ત્યારે જ અસર કરે છે જ્યારે શરીરના આંતરીક કોષો ઝેરના સીધા જ સંપર્કમાં આવે છે. માત્ર ધૂળના એક રજકણ એટલે કે એક માઇક્રોગ્રામ પોલોનિયમ-૨૧૦, યુક્ત વ્યક્તિને ધીમું મોત આપવા માટે પુરતું છે. તે પરમાણું ક્રમાંક ૮૪ ઉપર આવતા રાસાયણિક તત્વ પોલોનિયમનું સમસ્થાનિક (આઇસોરોપ) છે. પોલોનિયમની ૩૩ જેટલા સમસ્થાનિકો છે. જે રેડિયો એક્ટીવ છે.
૧૮૯૮માં ખ્યાતનામ સ્ત્રી વૈજ્ઞાાનિક મેરી ક્યુરી અને તેના પતિ પીઅરી ક્યુરીએ પોલોનિયમની શોધ કરી હતી. પોલોનિયમ મેરી ક્યુરીના વતન ''પોલેન્ડ'' અને તેણે શોધેલ તત્વ 'રેડિયમ' ના શબ્દોને ભેગા કરીને બનેલ તત્વનું નવું નામ છે. પોલોનિયમ દુર્લભ, ચાંદી જેવા રંગની ધાતુ છે. ઉદ્યોગોમાં પોલેનિયમ ખુબ જ અલ્પ પ્રમાણમાં વપરાય છે. આ કારણોસર તેનું ઉત્પાદન પણ અલ્પ પ્રમાણમાં કરવામાં આવે છે. પિટચબ્લેન્ડની રેડિયો એક્ટીવીટીનું કારણ શોધતાં શોધતા, મેરી ક્યુરીએ યુરેનિયમ અને થોરીયમ જેવા તત્વો અલગ તારવ્યા હતા. ત્યાર બાદ પોલોનિયમ અને રેડિયમને અલગ તારવવામાં તેમને સફળતા મળી હતી બીજા વિશ્વયુદ્ધ સુધી પોલોનિયમ પાછળ કામ કરતું ભૌતિક શાસ્ત્ર ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અમેરિકાએ મેનહટન પ્રોજેક્ટમાં પરમાણુ બોમ્બ બનાવવાનું શરૃ કર્યું ત્યારે, મનુષ્ય શરીર ઉપર રેડિયેશનની કેવી અસર થાય છે. તે જાણવા માટે ગુપ્ત પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં પાંચ મનુષ્યને ''પોલોનિયમ'' ૯થી ૨૨ માઇક્રો ક્યુરી જેટલું પોલોનિયમ આપવામાં આવ્યું હતું. જ્યારે રેડિયેશનની માનવ શરીર ઉપરની અસરો પ્રસ્થાપિત થઇ ન હતી ત્યારે અમેરિકાએ મનુષ્યને રેડિયેશનની પ્રયોગશાળાના દેડકા બનાવ્યા હતા.

માનવ શરીર ઉપર અસર

પોલોનિયમ ઝેરી પદાર્થ નથી.  તેનું રેડિયેશન શરીરમાં ગયા પછી અસર બતાવે છે. આ રેડિયેશન બહુ દુર સુધી જઇ શકતું નથી એટલે તેની નજીકના કોષોને નુકસાન પહોંચાડે છે. શરીરમાં પોલોનિયમ છે કે નહી તેની હાજરી ચકાસવા માટેનાં કોઇ મેડિકલ ટેસ્ટ ઉપલબ્ધ નથી.  પોલોનીયમનો કોઇ રંગ કે સ્વાદ નથી. તેથી તેને ખોરાક અથવા પીણામાં ઉમેરીને શરીરમાં ઉતારીને ગુનાહીત કૃત્ય કરવામાં આવે છે. રશિયન જાસુસને 'ચા' સાથે પોલોનિયમ-૨૧૦નું ઝેર આપવામાં આવ્યું હતું. પોલોનિયમનું રેડિયેશન ધીમું અસર કરે છે. સૌ પ્રથમ એ લાલ રક્તકોષો ઉપર અસર કરે છે. ત્યારબાદ યકૃત કિડની, બરોળ, બોન મેરો, આંતરડા અને ચેતાતંત્ર ઉપર અસર કરે છે.
પોલોનિયમ શરીરમાં પ્રવેશે છે ત્યારે, શરીરમાં રીએક્ટીવ  રેડિકલ્સ પેદા થાય છે. જે શરીરના કોષોમાં રહેલ જૈવ- રાસાયણિક રેણુઓ માંથી 'ઇલેક્ટ્રોન' ચોરી લે છે. શરીરના કોષોમાં લો લેવલે ડિએનએ ડેમેજ થાય છે. જેના કારણે કોષ વિભાજન અને કોષ વૃદ્ધિને અસર થાય છે. વધારે અસર પામેલ કોષો 'એપોપ્ટોસીસ' પ્રક્રિયાના કારણે સ્વયંમ પોતાનો વિનાશ કરે છે.
મેરી ક્યુરીની પુત્રી આઇટીન ક્યુરીનું મૃત્યુ પણ પ્રયોગશાળામાં થયેલ અકસ્માતના કારણે પોલોનિયમ-૨૧૦ વડે થયેલું માનવામાં આવે છે. પેલેનસ્ટાઇનના નેતા યાસર આરીફતને પણ પોલોનિયમ-૨૧૦ આપવામાં આવ્યું હોવાની શંકા છે. ઇઝારાયેલી લેખક માઇકલ કાર્પિલના મત પ્રમાણે, વેઇઝમાલ ઇન્સ્ટીટયુટમાં બનેલ પોલોટેનિયમ લીકેજની ઘટના આ માટે જવાબદાર હતી. ૧૯૭૮માં બલ્ગેરીયમ જાસુસ જ્યોર્જી માસ્કોવને બલ્ગેરીયાની સિક્રેટ સર્વિસ દ્વારા પોલોનીયમથી મારી નાખવામાં આવ્યો હતો.

ફ્યુચર ઈવોલ્યુશન : સાયન્સ ફિક્શનનો રીઆલીટી શૉ

અનોખા પર્યાવરણમાં મનુષ્યની ઉત્ક્રાંન્તિની 'ફ્યુચર' ઝલક...


આપણે જાણીએ છીએ કે ''પૃથ્વી પરનાં બધા જ સજીવો એક ખાસ પ્રકારની ઉત્ક્રાન્તિ બાદ આજની સ્થિતિએ પહોંચ્યા છે. ઉત્ક્રાંતિનું વિજ્ઞાન સમજાવવાની શરૃઆત ચાર્લ્સ ડાર્વિને કરી હતી. આજે ચાર્લ્સ ડાર્વિન બાદ વિજ્ઞાન રોકેટ ગતિએ આગળ વધ્યું છે. વૈજ્ઞાનિકો ભવિષ્યને નજર સમક્ષ રાખીને, આવનારાં સમય માટે ટેકનોલોજીનો વિકાસ કરે છે. મજાની વાત એ છે કે ભવિષ્યની ટેકનોલોજી કેવી હોવી જોઈએ? એ બાબતે આપણે સજાગ છીએ. ભવિષ્યનાં માનવી કેવાં હોવા જોઈએ તે વાત આપણે વિચારતા નથી. માની લો કે પૃથ્વી પર મનુષ્યની સંખ્યા એટલી વધી ગઈ કે તેને નજીકનં ગ્રહ ઉપર વસવાટ માટે જવાનું થાય તો મનુષ્ય શરીરમાં કેવાં ફેરફારો થાય? માની લો કે કોઈ વિશાળ ઉલ્કાપીંડ પૃથ્વી સાથે ટકરાય છે અને... તેનાં પરીણામે 'હિમયુગ' આવે છે! તો મનુષ્ય શરીરમાં કેવાં ફેરફારો જરૃરી બની જાય? છેલ્લો સિનારીયો-ગ્લોબલ વાર્મિંગના કારણે ઉત્તર અને દક્ષિણ ધુ્રવનો બરફ ઓગળી જાય છે. મનુષ્યને હવે જમીનનાં બદલે 'વોટર વર્લ્ડ'માં વસવાટ કરવાનો છે? તો તેનું શરીર કેવું હોવું જોઈએ? આ બધી પરિસ્થિતીમાં મનુષ્યની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય? આ રહ્યું મનુષ્ય ઈવોલ્યુશનનું 'ફ્યુચર વિજ્ઞાન'

'સાયફાય' ચેનલ કનેક્શન
ફ્લોરિડામાં મિશેલ રૃબેન સ્ટેઈન અને લોરી સિલ્વરને ૧૯૮૯માં એક સ્પેશીયલ સાયન્સ ફિક્શન માટેની 'સાયફાય' ચેનલનો આઈડીયા આવ્યો હતો. જેને ૧૯૯૦માં તેમને કાર્યાન્વિત કરવાનું ટાર્ગેટ રાખ્યું હતું. છેવટે નાણાંના અભાવે 'ચેનલ' શરૃ થઈ શકી નહીં. ૧૯૯૨માં મિશેલ અને લોરી સિલ્વરનો 'કોન્સ્સેપ્ટ' યુએસએ નેટવર્ક, પેરેમાઉન્ટ પિક્ચર્સ અને યુનિવર્સલ સ્ટુડિયોએ ઉઠાવીને 'સાયફાય' ચેનલ શરૃ કરી હતી. જેમાં ડ્રેક્યુલા, ફેન્કેસ્ટેઈન વગેરે ક્લાસીક ફિલ્મો અને નાઈટ ગેલેરી તેમજ સ્ટારટ્રેક જેવી ટી.વી. સીરીઅલ્સ બતાવવાનો આઈડીયો હતો. ચેનલનો સલાહકાર સમીતીમાં સ્ટારટ્રેકનાં લેખક જેન રોડેનબરી અને ખ્યાતનામ લેખક આઈઝેક આસીમો હતાં. ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૨માં ચેનલ શરૃ થઈ ત્યારે બંને વ્યક્તિનાં અવસાન થઈ ચુક્યા હતા.
ચેનલ શરૃ થઈ ત્યારે પ્રથમ ફિલ્મ 'સ્ટાર વોર્સ' દર્શાવવામાં આવી હતી. સાથે સાથે આઝીમો અને જેન રોડેનબરીને શ્રધ્ધાંજલી પણ આપવામાં આવી હતી. ૨૦૦૭માં ચેનલને હાઈડેફીનેશનનું સ્વરૃપ મળ્યું હતું.આપણાં પુર્વજોનાં ઈતિહાસને વિજ્ઞાાનનાં એરણ ઉપર ચડાવીને ચકાસવાની અલગ મજા છે. મનુષ્યને શા માટે એલર્જી થાય છે ત્યાંથી માંડીને મનુષ્યની પ્રજાતિ ક્યાં સુધી બ્રહ્માંડમાં વિસ્તરી શકશે? જેવાં સવાલોનાં જવાબ આપણને પ્રાચીન નૃવંશ શાસ્ત્રનાં અભ્યાસમાંથી મળી શકે તેમ છે. ડૉ. મેથ્યુ સ્કીનર આ વિષયનાં નિષ્ણાંત છે. તેમનું સંશોધન અને પૃથ્થકરણ દાંત અને હાડકાની બનાવટ, શરૃઆતની વૃધ્ધિ અને વિકાસ તરફ રહેલું છે. જેમાં પ્રાચીનકાળથી અત્યાર સુધીનાં માનવીનાં 'ડાયેટ' નામકરણ અને ઉત્ક્રાંતિ ઈતિહાસ આધારે તેઓ વાનરથી માંડી મનુષ્ય સુધીની ઉત્ક્રાંતિની મઝલ તપાસી રહ્યાં છે.
ભુતકાળની ઉત્ક્રાંતિને ભુલીને ભવિષ્યમાં મનુષ્ય ઉત્ક્રાંતિના કયાં માર્ગે ચાલી શકે તેની વાત કહી છે. જો શીતયુગ આવે, મહાસાગરનાં પાણીનું લેવલ ખુબજ ઉચું આવે અથવા, મનુષ્યને અન્ય ગ્રહ ઉપર વસવાટ કરવા જેવું પડે તો માનવ શરીર કેવું થઈ જાય? આ સવાલનાં જવાબરૃપે તેમણે જે આગાહી કરી છે તે 'સાયફાય' બ્રિટનની ચેનલ પર એક્સલેન્ટ સીઝન-૨માં દર્શાવવામાં આવશે. ભવિષ્યનો રોચક ઉત્ક્રાન્તિકારી આગાહીઓને અહીં આલેખવાનો પ્રયત્ન થયો છે.

શીતયુગમાં ટકી રહેવા માટે જરૃરી- 'મનુષ્ય શરીર'
પૃથ્વી પરનો છેલ્લો શીતયુગ આજથી ૧૨ હજાર વર્ષ પહેલા સમાપ્ત થયો હતો. આ સમયે મનુષ્ય પત્થર યુગમાં જીવતો હતો. હોમોસેપીયન 'આફ્રીકા' ખંડની બહાર નિકળ્યો ન હતો. યુરોપ ખંડમાં 'નિએન્ડરથાલ' પોતાનું રાજ જમાવીને બેઠા હતા. જ્યારે શિતયુગ પુરો થયો ત્યારે આજનો મેધાવી માનવી/ હોમોસેપીયન આફ્રીકા છોડી યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ જવાની શરૃઆત કરી હતી. માની લોકે કોઇ વિશાળ ઉલ્કાંપીંડ પૃથ્વી પર આવીને ટકરાય છે. ટકરામણના કારણે પૃથ્વીના પેટાળમાં ખદબદતા લાવારસને, ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ વડે બહાર નિકળવાનો મોકો મળે છે. પૃથ્વીના આકાશમાં ધુળ અને રજકણોના વાદળ છવાઇ જાય છે. સુર્ય મહીનાઓ સુધી દેખાતો નથી. પૃથ્વીનું તાપમાન ઘટી જાય છે. પાણીના સ્થાને બરફ જામવા લાગે છે અને એક નવો ''આઇસ એજ'' શીતયુગ શરૃ થાય છે. મનુષ્ય એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવાં શારીરીક ફેરફારો કરવા પડશે ?
સુર્યપ્રકાશની ગેરહાજરીમાં મનુષ્યની ફીક્કી પડી જશે. જેના કારણે શરીરમાં વિટામીન ડી નું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. ઠંડીથી રક્ષણ મેળવવા શરીર ઉપર વાળ વધારે ઉગાડવા પડશે. ઠંડીથી બચવા, વધારે શ્રમ કરવો પડશે. શારીરીક બંધારણ તેના કારણે વધારે સ્નાયુબધ્ધ બનાવવું પડશે. શરીરમાં તાત્કાલિક ઉષ્મા અને ઉર્જા મેળવવા માટે ચરબી સ્વરૃપે ખોરાકનો સંગ્રહ કરી રાખવો પડશે. શરીરને હુફાળી ગરમ દવાની જરૃર પડશે. જેના નાક અને ચહેરાનું કદ વધી જશે. આવા સમયે મનુષ્યનું શારીરીક બંધારણ, ગોરીલા જેવું બની જશે. સ્ત્રીઓ, પુરૃષોની પસંદગીમાં બુધ્ધીક્ષમતાને બાજુમાં રાખીને શારીરિક મજબૂત બાંધાને પ્રથમ પસંદગી આપશે. મનુષ્ય માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો, કુદરતી ઉત્ક્રાંતિ કરતાં મનુષ્ય પોતાના આધુનિક વિજ્ઞાાન ઉપર વધારે આધાર રાખશે.

ગ્લોબલ વોર્મિંગનાં 'વોટર વર્લ્ડ'માં મનુષ્યની સંભવિત ઉત્ક્રાંતિ
ડૉ. મેથ્યુ સ્કીનર પ્રાચીન નૃવંશ વિદ્યા વિશારદ છે. તેઓ મનુષ્યની ઉત્ક્રાંતિ ઉપર કામ કરે છે. આવનારી સંભવિત પરિસ્થિતીમાં માનવીનું શરીર કેવું હોવું જોઈએ? માનવીની જરૃરિયાત મુજબ ઉત્ક્રાંતિનું કઈ રીતે ચાલે? આ બધાનાં જવાબ તેઓ આપી શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે મહાસાગરની સપાટી વધી જાય. જમીન ડુબમાં જાય. આવા સંજોગોમાં મનુષ્યને જળચર પ્રાણી જેવાં ગુણધર્મો મેળવવા પડે. પાણીમાં રહેવા માટે એટલે કે 'વોટર વર્લ્ડ' માટે મનુષ્યમાં કેવા ફેરફાર થાય? અથવા એમ કહી શકાય કે જીનેટીક્સ અને ડિએનએ ટેકનોલોજી વડે કેવા મનુષ્ય પેદા કરવા પડે? આ રહ્યો જવાબ.
મનુષ્યને પાણીમાં તરવા માટે બતકનાં પગ જેવાં, આંગળા સાથે જોડાયેલી ચામડીવાળા પગ અને હાથનાં પંજા હોવા જોઈએજેને 'વેલ્ડ ફીટ એન્ડ હેન્ડ' કહે છે. મનુષ્યની ઉત્ક્રાંતિ જળચર પ્રાણીમાંથી થઈ છે. આ પ્રકારનાં જોડાએલા આંગળા માટે જરૃરી જીનેટીક મ્યુટેશન કે 'જનીનીક ફેરફાર'વાળા જનીન મનુષ્ય જેનોમમાં છે. તેને એક્ટીવ કરવાની જરૃર છે. ભવિષ્યની ઉત્ક્રાંતિમાં તેને કુદરત ફરીવાર સક્રિય બનાવી શકે છે. સામાન્ય રીતે મનુષ્ય શરીરમાં કુદરતી રીતે બદલાવ લાવવા માટે ''પ્રાકૃતિક પસંદગીનાં સિધ્ધાંત મુજબ'' સેંકડો પેઢીઓ બાદ ઉત્ક્રાંતિ બાદ આવું બની શકે. અથવા મનુષ્યને જીનેટીક એન્જીનીયરીંગનો સહારો લેવો પડે. મનુષ્યએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ભવિષ્યમાં જીનેટીક એન્જીનીયરીંગનો સહારો લેવાની જરૃર પણ પડે.
પાણીની અંદર પ્રકાસ ઓછો હોય છે. ઓછાં પ્રકાસમાં જોવા માટે 'બિલાડી જેવી આંખો' મનુષ્યએ વિકસાવવી પડે. પુખ્ત વયનાં મનુષ્યએ લાંબા સમય સુધી પાણીમાં રહેવું હોય તો, ઉષ્મા અવાહક તરીકે 'બેબીફીટ'નું આવરણ મનુષ્યનાં શરીર પર સાચવી રાખવું પડે. પાણીમાંથી સીધો જ ઓક્સીજન મેળવવા માટે, માછલી માફક 'ચુઈ' જેવું શ્વસન અંગ વિકસાવવું પડે. આંખનાં રક્ષણ માટે 'પારદર્શક પડ' આંખ ઉપર વિકસાવવું પડે. મનુષ્યને પાણીમાંથી સીધો ઓક્સીજન મેળવવા માટે 'ચુઈ' જેવું અંગ વિકસે ત્યારે, ફેફસાંની ક્ષમતા ઘટી જાય જેનાં કારણે મનુષ્યનું ફેફસા ઉપરનું પાંસળીઓનું પિંજરુ સંકોચાઈને નાનું બની શકે છે. મનુષ્યને ઉત્ક્રાંતિ આપવાનું કામ સદીઓ બાદ, કુદરત કરી શકે છે. અથવા એકાદ સદીમાં મનુષ્ય પોતે જ કરી શકે.

એલિયન  પ્લેનેટ, એલીયન લાઇફ અને ભવિષ્યમાં હોમોસેપીઅન..

જગતનો અબજોપતિ વૈજ્ઞાાનિક યુરી મિલ્નરે પરગ્રહવાસીઓના સિગ્નલ શોધવા માટે 'બેક્યુલિસન' પ્રોજેક્ટ શરૃ કર્યો છે. જેની સામે ઓસ્ટ્રેલિયાની સ્વાઇનબર્ન યુનિ. ઓફ મેલબોર્નનાં વૈજ્ઞાાનિક મેથ્યુ બેઇલીઝે ચેતવણી ઉચ્ચારી છે. પરગ્રહવાસી સાથે પ્રથમવાર સંપર્ક રાખતા પહેલા બે વાર વિચાર કરવો પડશે. જે પરગ્રહવાસી આધુનિક સિગ્નલો વડે આપણો સંપર્ક કરવા માંગતા હોય તે લોકો ટેકનોલોજીકલી આપણા કરતાં વધારે આગળ પણ હોઇ શકે છે. તેઓ મનુષ્ય જાતીને ખતમ પણ કરી શકે છે. અથવા મનુષ્ય પ્રજાતીને અન્ય ગ્રહ પર વસવાટ માટે આમંત્રણ પણ આપી શકે છે. માનીલો કે મનુષ્યને કોઇક કારણસર પૃથ્વી છોડીને અન્ય ગ્રહ ઉપર વસવાટ કરવા જવાનું થાય તો તેનાં શરીરમાં કેવા ફેરફારો કરવા પડે જેથી તે અન્ય ગ્રહ પર જીવી શકે અથવા અન્ય ગ્રહ પર ગયેલ માનવી પર ઉત્ક્રાંતિની કેવી અસર થાય ?
બીજાગ્રહનાં વાતાવરણ અને પર્યાવરણને અનુકુળ થવા માટે મનુષ્ય શરીરમાં અસંખ્ય અવનવા ફેરફારો આવી શકે છે. જેનું મુખ્ય કારણ નિમ્ન લેવલનું ગુરૃત્વાકર્ષણ હોઇ શકે છે. જેનાં કારણે હાથ લાંબા અને પગ ટુકા થઇ શકે છે. તો ગ્રેવીટીમાં પ્રયત્ન પૂર્વક ચાલવાની વધારે જરૃર પડશે નહિ. ઉટાંગ ઉટાંગ જેમ હાથ ઉપર ડાળીએ લટકીને હિચકો ખાતા હોય તેમ એક જગ્યા એથી બીજી જગ્યાએ જાય છે. કદાચ મનુષ્ય પણ આવી ટેવ વિકસાવી શકે છે. પગનાં આગળા લાંબા અને મોટા બની શકે જેથી વસ્તુઓ પકડવામાં આસાની રહે. સોલીડ ખોરાકની જગ્યાએ પ્રવાહી ખોરાક વધારે ઉપલબ્ધ હોય તો મનુષ્ય તેના દાંત અને જડબા ગુમાવી શકે છે. જેના કારણે ચહેરો નાનો બની શકે છે. જો મનુષ્યને ખતરારૃપ 'શિકારીઓ'ની સંખ્યા અન્ય ગ્રહ ઉપર ન હોય તો મનુષ્યનું શરીર અને કદ પણ ઘટી શકે છે. જેને આઇલેન્ડ ડવાર્ફિંગ કે 'ટાપુ પરની કીગુતા' કહી શકાય. હાલના તબક્કે આ વૈજ્ઞાાનિક કલ્પના છે. ડૉ.મેથ્યુ સ્કીનરે તાજેતરમાં ''સાયફામ'' ચેનલનાં લોંયીગ માટે તૈયાર 'એક્સટેન્ટ' પ્રોગ્રામ માટે ઉપરોક્ત આગાહીઓ કરી છે. ફરક એટલો છે કે જો ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થાય તો, મનુષ્ય શરીરમાં આગાહી કરેલ ફેરફાર કુદરત 'ઉત્ક્રાંતિ'ની ભેટ સ્વરૃપે હોમોસેપીઅનને સોંપી શકે છે.

Powered by Blogger.

મારાં અન્ય બ્લોગ્સ