Showing posts with label RICHARD BRANSON. Show all posts
Showing posts with label RICHARD BRANSON. Show all posts

યુનિટી સ્પેસશીપ-૨ સ્પેસ ટ્રાવેલની સફર શરૃ કરવા તૈયાર


'જોહું (અંતરીક્ષમાં) જવા માટે સક્ષમ હોઉ અને રિચાર્ડ ખરેખર મને લઈ જાય તો, મને તેમનાં સ્પેસશીપમાં ઉડવાનો ગર્વ થશે ! આ શબ્દ કોઈ સામાન્ય માનવીનાં નથી. ખ્યાતનામ ભૌતિક શાસ્ત્રી સ્ટીફન હોર્કીંગનાં છે. ''ગુરૃત્વાકર્ષણનાં તરંગોની સીધી શોધ થઈ છે.'' ત્યારથી ભૌતિકશાસ્ત્રીઓ ગેલમાં આવી ગયા છે. જોકે સ્ટીફન હોર્કીંગનાં આનંદનું કારણ જરા અલગ છે. તેને ભૌતિકશાસ્ત્ર સાથે સીધી લેવા દેવા નથી. વિશ્વ વિખ્યાત કંપની વર્જીન ગેલેકટીક દ્વારાં વિએસએસ યુનીટી નામનું નવું સ્પેસશીપ લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. વર્જીન ગેલેક્ટીક કંપની વ્યાપારી ધોરણે સ્પેસ ટુરીઝમ શરૃ કરવા માંગે છે. જેમાં મોજ-મજા માટે સામાન્ય (માલેતુજાર) માનવી અંતરીક્ષની સફર ખેડી અંતરીક્ષ યાત્રી બનવાનો લ્હાવો લઈ શકશે. વર્જીન ગેલેક્ટીક દ્વારા ૧૯ ફેબુ્રઆરીનાં રોજ તેનાં નવા સ્પેસશીપ-૨ ''યુનીટી'' લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. સ્પેસશીપ ટુનાં અનાવરણ પ્રસંગે પ્રો. સ્ટીફન હોકીંગે તેનો રેકોર્ડેડ વિડીયો મેસેજ મોકલી ''યુનીટી''નું ઉદઘાટન કર્યું હતું. કુવૈત ટાઈમ્સ લખે છે કે ''વર્જીન ગેલેક્ટીવનું નવું રોકેટ પ્લેન આવી ગયું છે. જે સીવીલીઅનને એસ્ટ્રોનર બનાવવાનાં ધ્યેય સાથે લોંચ થયું છે.'' શક્ય છે કે નવા વ્યાપારીકરણ વાળી સ્પેસ ટ્રાવેલ અને ટુરીઝમનો સુર્યોદય થઈ રહ્યો છે.''

વર્જીન ગેલેક્ટીક-સ્પેસ રેસમાં શામેલ

૨૦૧૪માં વર્જીન ગેલેક્ટીક તેનું સ્પેસ ક્રાફ્ટ પ્રયોગાત્મક ઉડ્ડયન વખતે ગુમાવ્યું હતું. જેમાં પાયલોટ માયકલ આલ્સબુરીનું અવસાન થયું હતું. આ ઘટનાનાં કારણે ૨૦૧૬નો શરૃઆતમાં વ્યાપારી ધોરણે 'સ્પેસ ટ્રાવેલ' કરાવવાનું કંપનીનાં સ્થાપક સર રિચાર્ડ બ્રાનસનનું શમણું બે ડગલાં પાછું હટી ગયું હતું. કંપનીએ તેનું નવું આધુનિક સ્પેસશીપ-ટુ ''યુનીટી''ને ફરી વાર રજુ કરી, હવે સ્પેસ ટુરીઝમની રેસમાં પોતાના ''ઘોડા'' દોડાવવાની શરૃઆત કરી દીધી છે.
યુનીટી સ્પેસશીપ બે પાયલોટ અને છ પેસેન્જરને લઈને પૃથ્વીની સપાટીથી માત્ર ૧૦૦ કિ.મી.ની ઉંચાઈએ લઈ જઈને 'સ્પેસ'ની મજા કરાવે છે. જોકે આખી યાત્રા આમ જોવા જાવ તો માત્ર પાંચ મિનિટની છે. ટિકિટનાં ભાવ અઢી લાખ ડોલર છે. જે માત્ર સુપરશીપ કલાસનાં થ્રિલ શીકર ધનવાનોને જ પોસાઈ શકે તેમ છે. વર્જીન ગેલેક્ટીકની પોતાની ''સ્પેસશીપ'' કંપની છે. જે સ્પેસશીપ બનાવે છે. ગયા વખતનાં અકસ્માત બાદ, નવા સ્પેસશીપને ફેરફારો સાથે તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ સ્પેસ ટુરીઝમ માટે ખાસ પ્રકારનું ''સ્પેસ પોર્ટ'' મોજાવે ખાતે બાંધ્યું છે. કંપની તેનાં કસ્ટમર્સને અંતરીક્ષમાં લઈ જાય તે પહેલાં, અસંખ્ય ટેસ્ટ કરીને, નવા વિક્રમો સ્થાપવા માંગે છે. કંપની સ્પેસશીપ અને તેને અંતરીક્ષમાં લઈ જાય તેવાં રોકેટ લોન્ચર (મધરશીપ)ની ડિઝાઈન કરી ચૂક્યું છે.
ધનવાનોને અંતરીક્ષ યાત્રા કરાવવાની રેસમાં ''સ્પેસ એક્સ'' અને રેસ્લાં કંપની સામેલ છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૪નાં રોજ 'સ્પેસશીપ'ને અકસ્માત નડયો હતો. જેનું તારણ કાઢવા માટે, નેશનલ સેફ્ટી બોર્ડ દ્વારાં ઈન્વેસ્ટીગેશન કરવામાં આવ્યું હતું. જેમાં લોકીંગ પીનની ખામી જોવા મળી હતી. જેનાં કારણે અકસ્માત થયો હતો. વર્જીન ગેલેક્ટીક પાંચ સ્પેસશીપ બનાવાની ફિરાકમાં છે.

સ્પેસ એક્સ

સ્પેસ ટ્રાવેલ માટેની ''સ્પેસ રેસ''માં જેનો ઘોડો સૌથી આગળ દોડી રહ્યો છે તે કંપની છે ''સ્પેસ એક્સ.'' જેની સ્થાપનાં ૨૦૦૨માં પેપાલનાં માલિક અને ટેસ્લા મોટર્સનાં સીઈઓ એલન મસ્કે કરી હતી. કંપનીનો અંતિમ ધ્યેય તો, મંગળ ઉપર ''માર્સ કોલોની'' બાંધવાનો છે. કંપની મુખ્યત્વે એવાં રોકેટ તૈયાર કરવા માંગે છે જેને વારંવાર વાપરી શકાય. આ કામ માટે તેણે ફાલ્કન-૧થી ફાલ્કન-નાઈન સુધીની રોકેટ સફર ખેડી. જેમાં તેણે સફળતા અને નિષ્ફળતાં બંનેનો સ્વાદ ચાખ્યો છે. કંપનીએ અંતરીક્ષ યાત્રીને અંતરીક્ષમાં લઈ જવા ખાસ પ્રકારનું સ્પેસક્રાફ્ટ વિકસાવેલ છે. જેને ફ્રેમન કોસ્યુલ કહે છે. 'ફ્રેમન કોસ્યુલ' દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર માલસામાન મોકલાવવા ''ડ્રેગન કેપસ્યુલ'' સફળ રહ્યું છે. ૨૦૧૦માં ''સ્પેસ એક્સે'' ખાનગી કંપની દ્વારા રોકેટ લોંચીંગ કરવાની ઘટના ઈતિહાસનાં ચોપડે નોંધી હતી. ૨૦૧૨માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર સ્પેસ ક્રાફ્ટ મોકલવાનો 'ખાનગી કંપની' તરીકેનો રેકોર્ડ પણ તેણે સ્થાપ્યો હતો.
અમેરિકાની 'નાસા'એ સ્પેસ એક્સની વ્યાપારી સેવાઓ લેવા માટે કરાર કર્યા છે. ૨૦૧૫ સુધી સ્પેસ એક્સ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી કાર્ગો સપ્લાયનાં છ મિશન સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. નાસાએ સ્પેસ એક્સને અંતરીક્ષ યાત્રીઓને લઈ જઈ શકાય તેવાં હ્યુમન રેટેડ 'ડ્રેગન સ્પેસશીપ'ની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને ડેમોનસ્ટ્રેશન માટેનાં વ્યાપારી કરાર કરેલાં છે. જે કંપનીની સફળતા બતાવે છે. ખાનગી ક્ષેત્રે અંતરીક્ષ માટે સેવા આપવાનું બહુમાન કંપનીનાં નામે નોંધાયેલ છે. જોકે હાલનાં તબક્કે ધનકુબેરોને માત્ર મોજ શોખ માટે અંતરીક્ષમાં લઈ જવાનો 'મોંઘો સ્પેસ ટ્રાવેલ'નો કોઈ પ્લાન કંપનીએ ઘડેલ નથી.
કંપની ખરા અર્થમાં સ્પેસ ટ્રાવેલ માટે કામ કરવા માંગે છે. સ્પેસ ટ્રાવેલનાં નામે અવનવા ગતકડાં કાઢવા તેને પાલવે તેમ નથી. સ્પેસ એક્સનો અંતિમ ધ્યેય એવી સ્પેસ કેપ્સ્યુલ વિકસાવવાનો છે. જે મનુષ્યને મંગળ સુધી લઈ જાય અને સલામત રીતે પાછાં પણ લાવી શકે.
બ્લ્યુ ઓરીજીન

સ્પેસ એક્સ પછી બીજા ક્રમે જેનો 'ઘોડો' રેસમાં દોડી રહ્યો છે તે કંપની છે. 'બ્લ્યુ ઓરીજીન' એમેઝોન ડોટ કોમનાં સ્થાપક જૈફ બેઝોસે બ્લ્યુ ઓરીજીનની સ્થાપનાં કરેલ છે. કંપની વર્ટીકલ ટેક ઓફ અને વર્ટીકલ લેન્ડીંગ કરાવી શકાય તેવાં રોકેટની રચના કરવા માંગે છે. પૃથ્વી બ્લ્યુ પ્લેનેટ તરીકે ઓળખાય છે. પૃથ્વી પરથી પેદા થયેલ રોકેટને આ રીતે ''બ્લ્યુ ઓરીજીન'' નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીએ વારંવાર વાપરી શકાય તેવાં રોકેટનું ઉડ્ડયન કરી બતાવ્યું હતું. જાન્યુઆરી ૨૦૧૬માં પણ ફરીવાર ''ન્યુ શેફર્ડ'' સ્પેસ ક્રાફ્ટને સબ સ્ટોરર્વીટલ સ્પેસ એટલે કે લગભગ ૧૦૦ કિ.મી.ની ઉંચાઈએ ઉડાડી બતાવ્યું હતું. ૨૦૧૫માં કંપનીએ 'ઓરબીટલ' સ્પેસ ક્રાફ્ટ રચના કરવાની જાહેરાત કરી હતી. જેનો મતલબ થાય કે કંપની ૧૦૦ કિ.મી. કરતાં વધારે ઉંચાઈએ સ્પેસ ક્રાફ્ટ મુકવા માંગે છે. જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકે. જેનો વેગ૮ કી.મી. પ્રતિ સેકન્ડ કરતાં વધારે હોય.
બ્લ્યુ ઓરીજીનની સફળતાનાં કારણે જૈફ બેઝોલ અને એલન મસ્ક વચ્ચે ''ટવિટર યુદ્ધ'' શરૃ થયું હતું. છેવટે સ્પેસ એક્સે પણ તેના તોતીંગ રોકેટને અંતરીક્ષમાં ઉડાડયું હતું. જેની ફરીવાર નિશ્ચિત કરેલ ''રીકવરી લેન્ડીંગ ઝોન''માં પાછું મેળવ્યું હતું.
૨૦૦૯માં નાસા દ્વારા સ્પેસ એક્ટ એગ્રિમેન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીને ૩૭ લાખ ડોલર સંશોધન અને વિકાસ અર્થ મળ્યા હતાં. ૨૦૧૧માં બીજા સ્ટેજ માટે ૨૨ લાખ ડોલર મળ્યા હતાં. કંપનીએ કરેલ કરાર મુજબ બ્લ્યુ ઓરીજીન ૨૦૧૭ સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી અંતરીક્ષ યાત્રીઓને પહોંચાડી શકાય તેવી 'ક્રુ ડીલીવરી' સિસ્ટમ પુરી પાડશે.

સ્ટાર ઓફ સ્પેસ ટીમ
માનવીની મહત્વાકાંક્ષા અને મજબુત મનોબળ હોય તો જ સફળતા મળે. ખાનગી કંપની દ્વારા નવો ''પ્રાઈવેટ સ્પેસ એજ'' શરૃ કરવાની ખ્વાહિશ અનેક વ્યક્તિ ધરાવતા હતાં, હજી ધરાવે છે. જેમાંના કેટલાંકને ઓળખવા જેવો છે. આ રહ્યું ''શોર્ટ'' કટ સમીકરણ....
પિટર ડાયમંન્ડીસ :-

જેમણે સિંગ્યુલારીટી યુનિવર્સીટીની સ્થાપનામાં ભાગ લીધો હતો. ૧૯૯૬માં જાહેર કર્યું હતું કે જે કંપની ત્રણ વ્યક્તિ બેસી શકે તેવું સ્પેસ વ્હીકલ બનાવીને પંદર દિવસમાં બે વાર તેનું ઉડ્ડયન કરી બતાવશે તેને દસ અબજ ડોલરનું ઈનામ મળશે. એક કરોડ ડોલરનાં ઈનામ માટે સાત દેશોની ૨૬ ટીમે ૧૦ કરોડ ડોલરનું રોકાણ કરી નાખ્યું હતું. જેમાં 'સ્પેસશીપ વન' વિજેતા બન્યું હતું. તેનું નવું વર્જીન 'સ્પેસશીપ-ટુ-યુનીટી' તાજેતરમાં સમાચારોમાં ચમકી રહ્યું છે.
જૈફ બેઝોસ :-
નવી ટેકનોલોજી વિકસાવવાની ધૂન ધરાવનાર ધૂની માનવી એટલે જૈફ બેઝોસ. ઈ-કોમર્સને વેગ આપવામાં તે અગ્રેસર ગણાય છે. ઈ-બિઝનેસમાં માસ્ટર ગણાતી એમેઝોન.કોમનાં સ્થાપક છે. જૈફ બેઝોસ જે ઈન્ટરનેટનાં લાર્જેસ્ટ રિટેઈલર ગણાય છે. ૨૦૧૩માં તેમણે ધ વોશીંગ્ટન પોસ્ટ અખબાર ખરીધ્યું હતું. ૨૦૦૦માં તેમની પોતાની સ્પેસ ટ્રાવેલની કલ્પનામાંથી ''બ્લ્યુ ઓરીજીન'' કંપની સ્થાપી. સ્પેસ ટ્રાવેલની કલ્પનાને હકીકતમાં બદલવા મક્કમ છે.
એલન મસ્ક :-
દ.આફ્રિકામાં જન્મેલ અને કેનેડીઅન-અમેરીકન ઉદ્યોગપતિ એટલે એલન મસ્ક. તેમણે ''સ્પેસ એક્સ''ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મનુષ્યનાં અસ્તિત્વ સામે ખતરો ન રહે તે માટે તેઓ મંગળ ઉપર માનવ વસાહત સ્થાપવાનાં ધ્યેય સાથે કામ કરી રહ્યાં છે. હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટેશન માટે તેઓ ''હાઈપરલુપ'' નામની સીસ્ટમની સંકલ્પના આપી ચુક્યો છે.
રિચાર્ડ બ્રાનસન :-
 ૪૦૦ કંપનીનું અનોખું ગુ્રપ એટલે વર્જીન ગુ્રપ. સોળ વર્ષની ઉંમરે તેમણે ''સ્ટુડન્ટ'' મેગેજીન શરૃ કરી, પોતાનાં ધંધાની શરૃઆત કરી હતી. એ વ્યક્તિ ૬૫ વર્ષની ઉંમરે લોકોને 'સ્પેસ ટ્રાવેલ' કરાવવાનો અનોખો ધંધો ખોલીને બેઠાં છે. સામાન્ય માનવી માટે એક ગતકડું છે. જ્યારે ધનકુબેરો માટે નવો શોખ. ૧૯૮૦નાં ગાળામાં વર્જીન કંપનીનો ખૂબ જ વિકાસ થયો હતો. વાંચનનાં શોખીનને નોન-ફીકશન, વાસ્તવિકકથાઓ વધુ ગમે છે.

Powered by Blogger.

મારાં અન્ય બ્લોગ્સ